Vadodara,તા.૧૦
મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ, એસએસજી હોસ્પિટલ વડોદરામાં આવેલી છે. આ હોસ્પિટલમાં દુર દુરથી દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. હાલમાં એસએસજી હોસ્પિટલના મનોચિકિત્સક વિભાગના ડો. ચિરાગ બારોટ વિરૂદ્ધ મહિલા તબીબે દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે. ફરિયાદ નોંધાયા બાદથી દુષ્કર્મનો આરોપી તબીબ ફરાર છે. જેને શોધી કાઢવા માટે પોલીસ દ્વારા વિવિધ ટીમોને કામે લગાડવામાં આવી છે.
વડોદરામાં આવેલી મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ, એસએસજી હોસ્પિટલના મનોચિકિત્સક વિભાગના તબીબ વિવાદમાં આવ્યા છે. ડો. ચિરાગ બારોટે તબીબી મહિલા પર વિવિધ સ્થળોએ લઇ જઇને દુષ્કર્મ ગુજાર્યું હોવાનો મામલો ગોરવા પોલીસ મથકે પહોંચ્યો છે. દુષ્કર્મનો ભોગ બનનાર પીડિતાના જણાવ્યા અનુસાર, વર્ષ ૨૦૦૮ થી દુષ્કર્મી ડો. ચિરાગ બારોટે યુવતીને પત્ની બનાવવાની લાલચ આપી હતી. ડો. ચિરાગના કહેવાથી પીડિતાએ પોતાના પતિ સાથે છુટાછેડા લઇ લીધા હતા. જો કે, ત્યાર બાદ તેણે અલગ અલગ જગ્યાઓએ યુવતિને લઇ જઇને તેનો દેહ ચૂંથ્યો હતો.
દુષ્કર્મના આરોપી ડો. ચિરાગ બારોટે યુવતિના પત્ર અને ફોટો વાયરલ કરવાની ધમકીઓ પણ આપી હતી. આખરે પીડિતાએ દુષ્કર્મી ડો. ચિરાગ બારોટ વિરૂદ્ધ શહેરના ગોરવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ નોંધાયા બાદથી આરોપી ફરાર હોવાનું જાણવા મળી રહ્યું છે. આ મામલે પોલીસ દ્વારા વિવિધ ટીમો બનાવીને દુષ્કર્મ કેસના આરોપીને પકડી પાડવા માટેના ચક્રોગતિમાન કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. હવે દુષ્કર્મી કેટલા સમયમાં પોલીસની ગિરફ્તમાં આવે છે, તેના પર સૌ કોઇની નજર રહેલી છે. બીજી તરફ સરકારી હોસ્પિટલના સિનિયર તબીબ વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ સામે આવતા હોસ્પિટલ પરિસરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.