New Delhi તા.25
હાલ ઓનલાઈન ખરીદીનું ચલણ ઝડપથી વધી રહ્યું છે. તેના વધતા વિસ્તારથી ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર નકલી સામાનોનું વેંચાણ પણ વધ્યું છે. આ વર્ષના પ્રારંભિક 6 મહિનામાં છેલ્લા વર્ષની તુલનામાં નકલી સામાનની ફરિયાદો દોઢ ગણી વધી છે.
રાષ્ટ્રીય ગ્રાહક હેલ્પ લાઈન પર આ વર્ષે 30 જુન સુધીમાં નકલી બોગસ ઉત્પાદનોની 7221 ફરિયાદો નોંધાઈ છે. જયારે વર્ષ 2024 માં 4997 અને 2023 માં નકલી અને બોગસ સામાનની ફરિયાદો માત્ર 2211 હતી.
ઓનલાઈન વેચાણ પર લોકલ સર્વેનાં અનેક રિપોર્ટ મુજબ વર્ષ 2024 માં 20 ટકા ખરીદનારાને ઓછામાં ઓછા એકવાર નકલી કે બોગસ ઉત્પાદન મળ્યું છે. નકલી ઉત્પાદનોની સૌથી વધુ ફરિયાદો જૂતા સૌદર્યં પ્રસાધનો અને સુગંધ વગેરે સાથે સંકળાયેલ હતી.
નકલી સામાન જપ્ત:
ભારતીય માનક બ્યુરો સમયાંતરે ઈ-કોમર્સ વેબસાઈટનાં ગોડાઉન પર તલાસી અને જપ્ત અભિયાન ચલાવતું રહે છે. આ વર્ષ ખર્ચમાં બીઆઈએસે ઈ-કોમર્સ વેબસાઈટનાં ગોદામોમાંથી 4 હજારથી વધુ નકલી સામાન જપ્ત કર્યા હતા. જયારે વર્ષ 2024-25 માં 22 તલાસી અને જપ્તી અભિયાન ચલાવવામાં આવ્યા હતા.
લકઝરી બ્રાન્ડ વધુ:
ગ્રાહક મામલાનાં વિશેષજ્ઞ શીતલકપુર કહે છે કે ઈ-કોમર્સ વેબસાઈટ પર સૌથી વધુ નકલી લકઝરી બ્રાન્ડનું વેચાણ થાય છે. સરકારે જયાં તેને રોકવા સખ્ત નિયમ બનાવવાની જરૂર છે ત્યાં ગ્રાહકોએ પણ જાગૃત રહેવુ જરૂરી છે.