Surat,તા.29
સુરત પાલિકાના કોન્ટ્રાક્ટરો જ નિયમોનો ભંગ કરીને ગંદકી ફેલાવવા સાથે લોકોના આરોગ્ય સામે ખતરો ઉભો કરી રહ્યાની ફરિયાદ રાંદેર ઝોનમાંથી બહાર આવી છે. રાંદેર ઝોનમાં પાલ વિસ્તારમાં ડ્રેનેજની કામગીરી ચાલી રહી છે પરંતુ ડી વોટરીંગની કામગીરી ગટરના ગંદા અને ગંધાતા પાણીથી કરવામાં આવતા હોવાથી ફરિયાદ થઈ રહી છે. આ ઉપરાંત અડાજણ પાલ, પાલોપનર, રાંદેર સહિતના વિસ્તારમાં અનેક જગ્યાએ કચરાનો નિકાલ ન થતા હોવાથી લોકોના આરોગ્ય સામે ખતરો ઉભો થઈ રહ્યો છે.
સુરત પાલિકાના રાંદેર ઝોનમાં પાલ વિસ્તારમાં છેલ્લા ઘણા વખતથી ડ્રેનેજની કામગીરી ચાલી રહી છે જેના કારણે અનેક જગ્યાએ ખોદાણ થઈ રહ્યું છે તેથી ધુળ ઉડી રહી છે અને શ્વાસના રોગના દર્દીઓ વધી રહ્યાં હોવાની ફરિયાદ છે તેની સાથે સાથે રસ્તા ખોદાણ આડેધડ થઈ રહ્યાં હોવાથી ટ્રાફિક સમસ્યા પણ થઈ રહી છે. જોકે, હવે માજી કોર્પોરેટર અને સ્થાનિકો દ્વારા પાલિકાને ગંભીર ફરિયાદ કરવામાં આવી છે.