Mumbai,તા.04
ટીમ ઈન્ડિયાની જીત માત્ર ટેકનિકલી જ નહીં પણ માનસિક રીતે પણ મજબૂત ક્રિકેટનું પરિણામ હતું. આનો શ્રેય અમોલ મઝુમદારની શાંત પરંતુ સચોટ કોચિંગ સ્ટાઈલને જાય છે. મઝુમદાર ભારતીય ક્રિકેટના સૌથી પ્રતિભાશાળી ખેલાડીઓમાંના એક હતા જેમને ક્યારેય આંતરરાષ્ટ્રીય સ્તરે રમવાની તક નહોતી મળી. તેમણે ઘરેલુ ક્રિકેટમાં રનનો પહાડ બનાવ્યો હતો, પરંતુ ભારતીય ટીમની જર્સી પહેરવાનું તેમનું સ્વપ્ન અધૂરું રહી ગયું. મહિલા ટીમને વર્લ્ડ કપમાં કોચિંગ આપ્યા પછી મઝુમદારનું આ દુઃખ ચોક્કસપણે થોડું ઓછું થયું હશે.
50 વર્ષીય અમોલ મઝુમદારની કોચિંગમાં ભારતીય મહિલા ખેલાડીઓના આત્મવિશ્વાસ, ફિટનેસ અને ટેકનિકલ કૌશલ્યમાં જબરદસ્ત સુધારો જોવા મળ્યો છે. તેમના અંડરમાં પ્રતિકા રાવલ, ક્રાંતિ ગૌડ અને અમનજોત કૌર જેવી યુવા ખેલાડીઓએ પોતાની કુશળતા નિખારી. મઝુમદારના કોચિંગમાં ટીમ ઈન્ડિયાએ ન માત્ર વર્લ્ડ કપ જીત્યો, પરંતુ વિશ્વને એ પણ દેખાડી દીધું કે ભારતની મહિલા ટીમ હવે કોઈપણ ટીમને ટક્કર આપવામાં સક્ષમ છે.
અમોલ મઝુમદાર માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનો ક્લાસમેટ રહ્યો છે. આટલું જ નહીં તેંડુલકરે ઘરેલૂં ક્રિકેટમાં તેમની કેપ્ટનશીપમાં મુંબઈનું પ્રતિનિધિત્વ કર્યું હતું. મઝુમદાર ખૂબ જ ટેલેન્ટેડ હતો અને તેની તુલના સચિન સાથે કરવામાં આવતી હતી. જમણા હાથના બેટ્સમેન મઝુમદારે પોતાના ફર્સ્ટ ક્લાસ કરિયરમાં 171 મેચોમાં શાનદાર 11,167 રન બનાવ્યા હતા જેમાં 30 સદી સામેલ હતી.
તેની ફર્સ્ટ ક્લાસ મેચમાં એવરેજ 48.13 રહી છે જે તેની સાતત્યા અને ક્લાસનો પુરાવો છે. રણજી ટ્રોફીમાં અમોલ મઝુમદારે મુંબઈ, આંધ્ર અને આસામ જેવી ટીમોનું પ્રતિનિધિત્વ કરીને કુલ 9, 205 રન બનાવ્યા હતા. આ આંકડા તેમને રણજી ટ્રોફીના ઈતિહાસમાં વસીમ જાફર પછી બીજા ક્રમે સૌથી વધુ રન બનાવનારા ખેલાડી તરીકે સ્થાપિત કરે છે. લિસ્ટ એ ક્રિકેટમાં પણ તેનું પ્રદર્શન કમાલનું રહ્યું છે. મઝુમદારે લિસ્ટ એ મેચોમાં 38.20ની સરેરાશથી 3,286 રન બનાવ્યા હતા, જેમાં ત્રણ સદી અને 26 અડધી સદી સામેલ છે.
ક્રિકેટમાંથી સંન્યાસ લીધા પછી અમોલ મઝુમદારે કોચિંગને કરિયર બનાવ્યું. ઓક્ટોબર 2023માં મઝુમદારને ભારતીય મહિલા ક્રિકેટ ટીમના હેડ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. મઝુમદાર નેધરલેન્ડ અને દક્ષિણ આફ્રિકાની પુરુષ ટીમો સાથે પણ કામ કરી ચૂક્યા છે. આ ઉપરાંત તેઓ ભારતીય અંડર-19 અને અંડર-23 ક્રિકેટ ટીમના કોચ પણ રહી ચૂક્યા છે.

