New Delhi,તા.15
બિહાર વિધાનસભા 2025ની ચૂંટણીમાં મળેલી કારમી હાર પછી કોંગ્રેસે શનિવારે (15મી નવેમ્બર) એક બેઠક યોજી હતી. જેમાં રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ હાજરી આપી હતી. બેઠક બાદ કે.સી. વેણુગોપાલ અને અજય માકને બિહારના પરિણામો અને કથિત મત ચોરી અંગે મીડિયા સાથે વાત કરી હતી.
અહેવાલો અનુસાર, કોંગ્રેસને બિહારના જે જિલ્લાઓમાં મતદાર અધિકાર યાત્રા યોજાઈ હતી ત્યાં પણ કારમી હારનો સામનો કરવો પડ્યો. બિહારમાં કોંગ્રેસે 61 બેઠકો પર ચૂંટણી લડી અને ફક્ત છ બેઠકો જીતી. વર્ષ 2010 પછી બિહારમાં આ પાર્ટીનું બીજું સૌથી ખરાબ પ્રદર્શન હતું, જ્યારે તેને ફક્ત ચાર બેઠકો મળી હતી.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લખ્યું, ‘મહાગઠબંધનમાં વિશ્વાસ વ્યક્ત કરનારા બિહારના લાખો મતદારોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. બિહારમાં આ પરિણામ ખરેખર આશ્ચર્યજનક છે. અમે ચૂંટણી જીતી શક્યા નહીં જે શરૂઆતથી જ ન્યાયી ન હતી. કોંગ્રેસ અને I.N.D.I.A. ગઠબંધન ચૂંટણી પરિણામોની સંપૂર્ણ સમીક્ષા કરશે અને લોકશાહીને બચાવવા માટે વધુ અસરકારક પ્રયાસો કરશે.’
કોંગ્રેસ નેતા કે.સી. વેણુગોપાલે ચૂંટણી પંચ આરોપ લગાવતા કહ્યું કે, ‘મત ચોરી થઈ રહી છે. કોંગ્રેસ મતદાન ડેટાની સંપૂર્ણ તપાસ કરશે અને પછી મીડિયાને બિહારમાં કોંગ્રેસની હારના કારણો વિશે માહિતી આપશે.’ નોંધનીય છે કે, કોંગ્રેસે મહાગઠબંધન સાથે જોડાણ કરીને બિહાર વિધાનસભાની ચૂંટણી લડી હતી. જ્યારે એનડીએએ લગભગ 200 બેઠકો જીતી હતી, ત્યારે મહાગઠબંધન 40 બેઠકો પણ મેળવવામાં નિષ્ફળ ગયું.

