New Delhi,તા.12
દિવંગત કોંગ્રેસ નેતા અહમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે કોંગ્રેસની ટિકા કરતા કહ્યું હતું કે, કોંગ્રેસ પોતાની દુનિયામાં જીવી રહી છે. તે દિશાહીન થઈ ગઈ છે અને ભાજપ પણ આ ઈચ્છે છે.
બીજી બાજુ ફૈઝલે ભાજપના વખાણ કરી વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં દેશમાં સારુ કામ થઈ રહ્યું છે તેમ જણાવતા એવા તર્ક-વિતર્ક થઈ રહ્યા છે કે ફૈઝલ યાલો બદલવાની તૈયારીમાં છે? જો કે તેમણે આ મામલે ઈન્કાર કર્યો છે.
ફૈઝલે જણાવ્યું હતું કે, તે કોંગ્રેસથી નારાજ નથી. પુરી કોંગ્રેસ પાર્ટી તેનો પરિવાર છે અને મારા પાર્ટીના અનેક વરિષ્ઠ નેતાઓ સાથે સારા સંબંધો છે. અત્યારે પણ હું પાર્ટીમાં જ છું. મે હજુ સુધી પાર્ટી છોડી નથી. બસ, મેં થોડો સમય જાહેર જીવનથી રજા લીધી છે.
ફૈઝલે વડાપ્રધાન મોદી ઉપરાંત વિદેશમંત્રી એસ.જયશંકર, કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહના વખાણ કરી કહ્યું હતું કે, આ લોકો ઘણું સારું કામ કરે છે. દેશમાં મોંઘવારી, બેરોજગારી છે છતાં આ લોકો સારું કામ કરે છે.
અહમદ પટેલના પુત્રે વધુમાં જણાવ્યું હતું કે, ભાજપ અન્ય બધી રાજનીતિક પાર્ટીઓ બંધ કરી પોતાનું પૂરું નિયંત્રણ સ્થાપિત કરવા માંગે છે. તેમણે કહ્યું હતું. તે કોંગ્રેસ પાર્ટીથી નારાજ નથી. ગુજરાતમાં ઘણા સ્થાનિક નેતા મારા બારામાં સારું બોલે છે.