New Delhi,તા.23
લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ વોટ ચોરી અભિયાન બાદ હવે ચાર રાજ્યોની કુલ પાંચ લોકસભા બેઠક પર બૂથ રક્ષક યોજનાની શરૂઆત કરી છે. કોંગ્રેસ આ પાયલોટ પ્રોજેક્ટ હેઠળ પાયાના સ્તરે પક્ષના કાર્યકરોને ટ્રેનિંગ આપશે. જેથી તેઓ જુદા-જુદા વિસ્તારમાં મતદારોની યાદીમાં ગરબડ અને અનિયમિતતાઓ બહાર લાવી શકશે.
બૂથ રક્ષક યોજનાના પાયલોટ પ્રોજેક્ટ હેઠળ પક્ષે ચાર રાજ્યોની પાંચ લોકસભા બેઠકની પસંદગી કરી છે. જેમાં રાજસ્થાનના અલવર અને જયપુરની ગ્રામીણ બેઠક સામેલ છે. આ સિવાય મધ્યપ્રદેશના મુરૈના, છત્તિસગઢના જાંજપુર-ચાંપા અને ઉત્તર પ્રદેશના બાંસગાંવની બેઠક સામેલ છે. આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર 2024ની લોકસભા ચૂંટણીમાં નજીવા માર્જિનથી હાર્યા હતા. કોંગ્રેસની આ યોજના વોટ ચોરીના અભિયાનનો જ એક ભાગ છે.
પાયલોટ પ્રોજેક્ટ હેઠળ, પ્રત્યેક બૂથ રક્ષક 10 બૂથનો હવાલો સંભાળશે. દસ બૂથ-લેવલ એજન્ટ પણ તેમના હેઠળ કામ કરશે. આ પાયલોટ પ્રોજેક્ટની સફળતા સુનિશ્ચિત કરવા માટે પાર્ટીએ કેન્દ્રીય સ્તરે પાંચ સભ્યોની ટીમ પણ બનાવી છે. મીડિયા રિપોર્ટ અનુસાર, બૂથ રક્ષકોએ પોતપોતાના વિસ્તારોમાં પાયાના સ્તરે કામ કરવાનું શરૂ કરી દીધું છે. આ ટીમો બૂથ સ્તરે જઈ મતદાર યાદીઓની સંપૂર્ણ સમીક્ષા અને સુધારણા પર નજર રાખી રહી છે. કોંગ્રેસના સૂત્રોને ટાંકીને અહેવાલમાં જણાવાયું છે કે ટીમ મતદાર યાદીમાં થયેલી અનિયમિતતાઓનો ડેટા એકત્રિત કરી રહી છે, જે વધુ તપાસ માટે કોંગ્રેસ હાઇકમાન્ડને સુપરત કરવામાં આવશે.
ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના એક સૂત્રે જણાવ્યું હતું કે, ‘કેન્દ્રીય ટીમ સ્થાનિક બૂથ રક્ષકને વોટ ચોરીને પકડી પાડવા અંગે તાલીમ આપી રહી છે, તે જે મતવિસ્તારોની મુલાકાત લઈ રહી છે તે દરેક બૂથની મતદાર યાદીઓ ચકાસી રહી છે. સ્થાનિક નેતાઓને ચૂંટણી પ્રક્રિયામાં ફોર્મ 6, 7 અને 8 ના ઉપયોગ અંગે તાલીમ આપવામાં આવી રહી છે. બૂથ-સ્તરીય ટીમોને તાલીમ આપવામાં આવી રહી છે કે કયા આધારે મતદારોના નામ મતદાર યાદીમાંથી ઉમેરવામાં આવ્યા છે અને દૂર કરવામાં આવ્યા છે તે ચકાસવામાં આવે.
રિપોર્ટમાં એમ પણ જણાવાયું છે કે આ ટીમ વોટ ચોરી અંગે સ્થાનિક જાગૃતિ કાર્યક્રમો પણ ચલાવી રહી છે. પાયલોટ પ્રોજેક્ટના ભાગ રૂપે બૂથ વિજિલન્ટ્સને ખાસ તાલીમ આપવામાં આવી રહી છે જેથી શોધી શકાય કે મોટી સંખ્યામાં મતદારોના એક જ સરનામા છે કે શું. તેમજ ડુપ્લિકેટ વોટરની પણ ભાળ મેળવવામાં આવશે. પાર્ટી બૂથ વિજિલન્ટ્સને બૂથ સ્તરે અયોગ્ય મતદારોને ઓળખવા મુદ્દે પણ તાલીમ આપી રહી છે.
આ ઉપરાંત, તેમને મતદાર યાદીમાં મૃત અને જીવંત લોકોના નામ મૃત જાહેર કરીને નામ કમી કરવાના કિસ્સાઓ શોધવા પણ કહેવામાં આવ્યું છે. કોંગ્રેસ આ પાંચ લોકસભા બેઠક વિસ્તારમાં મતદારોના નામ ઉમેરવા અને કાઢી નાખવાની પ્રક્રિયા વિશે પણ જાગૃતિ ફેલાવી રહી છે. 2024ની લોકસભા ચૂંટણીમાં, જયપુર ગ્રામીણથી કોંગ્રેસના ઉમેદવાર અનિલ ચોપડા ભાજપના ઉમેદવાર રાવ રાજેન્દ્ર સિંહ સામે માત્ર 1,615 વોટથી હારી ગયા હતા. આ મતવિસ્તારમાં કુલ 380 બૂથ છે, અને તે મુજબ, 30 બૂથ ગાર્ડ તૈનાત કરવામાં આવ્યા છે. અલવરમાં, કોંગ્રેસના ઉમેદવાર પણ 48282 વોટથી હારી ગયા, જ્યારે ઉત્તર પ્રદેશના બાંસગાંવમાં, કોંગ્રેસના ઉમેદવાર 3150 વોટથી હારી ગયા હતાં.