Junagadh, તા.10
ગુજરાતમાં ભાજપને હરાવવાની રાહુલ ગાંધીએ ચેલેન્જ આપી છે. કોંગ્રેસે પોતાના સંગઠન સૃજન અભિયાનની ગુજરાતમાંથી શરૂઆત કર્યા બાદ ગુજરાતમાં કોંગ્રેસનું નવસર્જન કરી અનેક જિલ્લા અને શહેરોમાં પ્રમુખો બદલવામાં આવ્યા છે. હવે કોંગ્રેસ આ નવનિયુકત પ્રમુખોને શિક્ષણ આપવા માટે શિબિરનું આયોજન કરી રહી છે. કોંગ્રેસ દ્વારા જુનાગઢની ભવનાથ તળેટીમાં આવેલા પ્રેરણાધામ આશ્રમમાં 10 સપ્ટેમ્બરથી 19 સપ્ટેમ્બર સુધી પ્રશિક્ષણ શિબિરનો આજથી પ્રારંભ થયો છે.
આજે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, સંગઠન મહામંત્રી કે.સી. વેણુગોપાલ, ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક સહિતના મહાનુભાવોના હસ્તે શિબિરનો પ્રારંભ થયો છે. આગામી દિવસોમાં રાહુલ ગાંધી પણ એક દિવસ હાજરી આપે એવી શકયતા છે.
મીશન 2027ના ભાગરૂપે એઆઈસીસી દ્વારા ગુજરાતભરના જીલ્લા અને મહાનગરોના પ્રમુખો માટે પ્રશિક્ષણ શિબિરનું જુનાગઢ ભવનાથ પ્રેરણાધામ ખાતે આજે તા.10થી 19 દરમ્યાન શિબિર ચાલશે. આ શિબિરનું ઉદઘાટન કોંગીના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેના હસ્તે કરવામાં આવેલ 10 દિવસીય ચાલનાર આ શિબિરમાં તા.12 સપ્ટેમ્બર અથવા 18 સપ્ટેમ્બરના માર્ગદર્શન અપાશે.
આજથી શરૂ થતી શિબિરમાં 38 વ્યકિતઓ સિવાય કોઈને એન્ટ્રી આપવામાં આવશે નહીં. નવા વરાયેલા જીલ્લા અને મહાનગરોના પ્રમુખોની પ્રથમ તાલીમ શિબિર આણંદ ખાતે ત્રણ દિવસ યોજાઈ હતી. બીજી શિબિર આજથી જુનાગઢ ખાતે ભવનાથ તળેટી પ્રેરણાધામ ખાતે 10 દિવસ સુધી ચાલશે.
આજે સવારે કેશોદ વિમાન મથકે ઉતરી જીલ્લાના 300 કાર્યકરો આગેવાનો સાથે હસ્તધૂનન કરી સીધા વંથલી મોટર માર્ગે આવી બાબા સાહેબને હારતોરા કરી સીધા જુનાગઢ ભવનાથ તળેટી પ્રેરણાધામ ખાતે પહોંચ્યા હતા. આ તાલીમ શિબિરમાં 38ને જ એન્ટ્રી આપવામાં આવી છે. બાકી એક પણ વ્યકિતને અંદર જવા દેવામાં આવ્યા નથી.

