Ahmedabad,તા.07
ગુજરાતના દિગ્ગજ નેતા હેમાબેન આચાર્ય બાદ જનસંઘના વધુ એક વડીલ કાર્યકર વકીલ અશ્વિન મણીયારે તેમનો બળાપો કાઢ્યો છે. તેઓએ કહ્યું કે, ‘મનપાની ચૂંટણીમાં ભાજપે જેને ટિકિટો આપી છે તે RSSના સંસ્કારોવાળા કે પાર્ટી લાઈનના લોકો નથી. ભાજપના જૂના કાર્યકરોને સાઈડલાઈન કરી નાખવામાં આવ્યા છે. કોંગ્રેસમાંથી આવેલાં સ્ટેજ પર બેસે અને ભાજપવાળા પાથરણા ઉપાડવામાં રહ્યા છે…’
ભાજપની હાલત કોંગ્રેસથી પણ ખરાબ થશે
ભાજપની નીતિ-રીતિ સામે જૂના ભાજપીઓ કે જેમણે ભાજપને બેઠું કરવામાં અથાગ મહેનત કરી છે, તેવા લોકો આજે મનપાની ચૂંટણી સમયે વર્તમાન સ્થિતિ જોઈ નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. 92 વર્ષના હેમાબેન આચાર્યએ પોતાની જે વેદના વ્યક્ત કરી તેના ગુજરાત નહી પરંતુ, દિલ્હી સુધી પડઘા પડ્યા હોવાનું ભાજપમાં જ ચર્ચાઈ રહ્યું છે. કારણ કે, હેમાબેનના એક-એક શબ્દની સંઘ અને પાર્ટીએ ગંભીરતાપૂર્વક નોંધ લેવી પડે છે. હેમાબેન બાદ આજે જનસંઘના કાર્યકર અને જેઓએ ચિમન શુકલ, સૂર્યકાંતભાઈ આચાર્ય સહિતનાઓ સાથે કામ કર્યું છે તેવા અશ્વિનભાઈ મણીયારે હેમાબેનની વાતને સમર્થન આપીને કહ્યું કે, ‘આજે ભાજપમાં એવી સ્થિતિ છે કે, કોંગ્રેસમાંથી આવેલા લોકો સ્ટેજ પર અડીંગો જમાવી બેસી જાય છે, જૂના ભાજપીઓને પાથરણા ઉપાડવા પડે છે. જ્યારે ભાજપનો પાયો નાખ્યો ત્યારે ગુંડાગીરી નાબુદ સમિતિ, નારી સુરક્ષા સમિતિ, ઝુંપડપટ્ટી બચાવ સમિતિ હતી. હવે આવી સમિતિ અને ભાજપનો પાયો નાખનાર સાઈડલાઈન થઈ ગયા છે’.
આ સિવાય વધુમાં તેઓએ જણાવ્યું કે, ‘છેલ્લા ઘણાં સમયથી જે લોકો ભાજપમાંથી ચૂંટણી લડે છે તેને સંઘ કે પાર્ટી સાથે લેવાદેવા નથી, બિલ્ડરોની દલાલી કરી ધાકધમકી આપી કહે છે કે સરકાર અમારી છે. હવે એવું કહેવું પણ અતિશ્યોક્તિભર્યું નથી કે જો તમે રોડપતિ હોવ અને કરોડપતિ થવું હોય તો ભાજપમાં જોડાઈ જાવ. હાલની સ્થિતિ મુજબ, લોકશાહીનું હનન થઈ રહ્યું છે. સંઘના સંસ્કારોવાળા કે પાર્ટી લાઈનના લોકોને ભાજપમાં ગણકારતા નથી. આવી સ્થિતિના કારણે આગામી થોડા જ સમયમાં હાલ જે કોંગ્રેસની હાલત છે તેનાથી પણ ખરાબ હાલત ભાજપની થવાની છે તેમાં કોઈ શંકા નથી. જો ભાજપને બચાવવું હોય તો ફરીથી સંઘ સંસ્કારવાળા જ બચાવી શકશે’.
ભાજપનાં બેવડાં ધોરણોથી આગેવાનો મુશ્કેલીમાં મુકાયા
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રચાર માટે પ્રદેશ ભાજપ દ્વારા સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ફોર્મ ભર્યા બાદ કાર્યાલય પ્રારંભે સભા કરવી, 5 થી 14 ફેબ્રુઆરી દરમિયાન વિવિધ મોરચા દ્વારા અલગ-અલગ કાર્યક્રમ કરવા, આ સમય દરમિયાન પત્રિકા વિતરણ, લાભાર્થીઓ સાથે સંપર્ક કરવો, કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજના તથા રાષ્ટ્રવાદ, હિન્દુત્વના મુદ્દાઓ પર સોશિયલ મીડિયામાં પ્રચાર કરવો, કોલ સેન્ટર દ્વારા પ્રાથમિક સભ્ય તથા લાભાર્થીઓને સંપર્ક કરવા સહિતનો પ્રચાર અભિયાન જાહેર કરવામાં આવ્યું છે.
આ પ્રચાર અભિયાનની જૂનાગઢમાં જૂના ભાજપીઓ દ્વારા જ ટીકા કરવામાં આવી રહી છે કે, લોકો કહી રહ્યા છે કે હિન્દુત્વના નામે કઈ રીતે પ્રચાર કરવો? કેમ કે એક જ વોર્ડમાં એક જ ઘરમાં ત્રણ-ત્રણ વ્યક્તિઓને ટિકિટ આપી છે. એક તરફ ભાજપ પરિવારવાદનો વિરોધ કરે છે તો એવી શું મજબુરી હતી કે, એક જ પરિવારમાં ત્રણ-ત્રણને ટિકિટ આપવી પડી? તેવા ભાજપના આગેવાનોને લોકો સવાલો પુછી રહ્યા છે.