Rajkot, તા.8
ગુજરાતમાં નવા વર્ષનાં પ્રારંભીક મહિનાઓમાં યોજાનારી કોર્પોરેશન-પંચાયતો-સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓમાં કોંગ્રેસ કોઈ ચૂંટણી જોડાણ નહિં કરે અને એકલા હાથે લડવાની તૈયારી રાખવા હાઈકમાન્ડ દ્વારા પ્રદેશ નેતાગીરીને સુચના આપવામાં આવી છે.
કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા ગુજરાતનાં પ્રદેશ પ્રમુખ તથા અમિત ચાવડાને દિલ્હી તેડાવવામાં આવ્યા હતા. કે.સી.વેણુગોપાલ સહીતનાં નેતાઓ સાથે લાંબી બેઠક થઈ હતી. તેમાં સંગઠન મુદ્દાઓ ઉપરાંત આગામી ચૂંટણી રણનીતિની પણ ચર્ચા કરવામાં આવી હતી.
માહિતગાર સુત્રોએ કહ્યું કે આગામી સ્થાનિક સ્વરાજયની ચુંંટણીમાં કોઈ જોડાણ કરવાનું નથી અને એકલા હાથે જ લડવાની છે. એટલે તે મુજબની તૈયારી કરવા હાઈ કમાન્ડે સ્પષ્ટ સુચના આપી દીધી હતી.
રાજકીય સ્તરે લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ-આપનું જોડાણ હતું પરંતુ પછી વિધાનસભા ચૂંટણીમાં અલગ થયા હતા. સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ફરી જોડાણ કરશે કે કેમ તે વિશે અટકળો હતી.
પરંતુ હાઈકમાન્ડે આ વાત નકારીને એકલા હાથે જ ચૂંટણી લડવાની સુચના આપી દીધી હતી. આમ આદમી પાર્ટી (આપ)ના પ્રદેશ નેતાઓએ જોકે, અગાઉ જ જોડાણની વાત નકારી દીધી હતી. રાષ્ટ્રીય સ્તરે અને લોકલ કક્ષાએ રણનીતિ અલગ ઘડાતી હોવાનું સ્પષ્ટ કર્યું હતું.
સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓને 3-4 મહિનાનો સમય છે તે પૂર્વે ભાજપ-કોંગ્રેસ જેવા પક્ષો સંગઠન પ્રક્રિયા પૂર્ણ કરવામાં વ્યસ્ત છે. કોંગ્રેસમાં પણ પ્રદેશ સંગઠનની રચના બાકી છે તે વિશે પણ ગઈકાલની બેઠકમાં ચર્ચા થઈ હતી. આ સિવાય તાલુકા સંગઠન તથા શહેર-જીલ્લા કારોબારીની વહેલીતકે રચના કરવા માટે પણ વાતચીત થઈ હતી.
ગુજરાતમાં કોંગ્રેસે 2027 ની વિધાનસભા ચૂંટણી જીતવાનો ટારગેટ રાખીને સંગઠન સૃજન અભિયાન હાથ ધર્યું છે. તાલુકાથી માંડીને પ્રદેશ કક્ષા સુધી કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે. સરકાર વિરોધી આંદોલન-કાર્યકરો વિશે પણ બેઠકમાં વાતચીત થઈ હતી. કોંગ્રેસનાં સિનિયર નેતાએ કહ્યું કે હવે દિવાળી બાદ સંગઠન તથા ચૂંટણી રણનીતિ તૈયારીને વેગ અપાશે.