Rajkot,તા.૮
ધોરાજી-ઉપલેટા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય તેમજ રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ લલિત વસોયાએ દિવાળી બાદ પડેલા કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાન બાદ સરકારે જાહેર કરેલ ૧૦,૦૦૦ કરોડના રાહત પેકેજને ‘ખેડૂતોની ક્રૂર મજાક’ ગણાવી છે. તેમણે જણાવ્યું કે, ખેડૂતોને થયેલા ખર્ચની સરખામણીએ આ સહાય અત્યંત ઓછી છે અને કોંગ્રેસ ખેડૂતો માટે સતત લડત આપતી રહેશે.
લલિત વસોયાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે મુખ્યમંત્રી, મંત્રીઓ તથા ધારાસભ્યો દ્વારા ખેડૂતોને ભયંકર નુકસાન થયું હોવાનું સ્વીકાર્યું છે. તેમ છતાં, રાજ્યના આશરે ૧૬,૦૦૦ ગામડાઓમાં ૧૦,૦૦૦ કરોડનું રાહત પેકેજ અપૂરતું છે. આ પેકેજમાં પ્રતિ હેક્ટર (સવા છ વીઘા) માત્ર ૨૨,૦૦૦ની જાહેરાત કરવામાં આવી છે, જેની ગણતરી મુજબ પ્રતિ વીઘા માત્ર ૩,૫૦૦ થાય છે. મગફળીના વાવેતર માટે બિયારણનો ખર્ચ જ ૩,૫૦૦ જેટલો થાય છે. આમ, સરકાર ‘કીડીને હાથી બનાવીને’ પ્રજા સમક્ષ ૧૦,૦૦૦ કરોડના ‘ઐતિહાસિક’ પેકેજનું પ્રદર્શન કરી રહી છે.
વસોયાએ વધુમાં કહ્યું કે, છેલ્લા ૨૫-૩૦ વર્ષમાં સૌથી વધુ કમોસમી વરસાદ પડ્યો છે; કેટલાક વિસ્તારોમાં ૧૦ ઇંચ તો કેટલાકમાં ૧૫ ઇંચ વરસાદ નોંધાયો છે, જેનાથી ખેડૂતોને અપાર નુકસાન થયું છે. આ પેકેજ અપૂરતું હોવાથી સરકારે ખેડૂતોના તમામ દેવા નાબૂદ કરવા જોઈએ. જ્યાં સુધી આ નહીં થાય ત્યાં સુધી ખેડૂતો અને કોંગ્રેસની લડત ચાલુ રહેશે.
માહિતી વિભાગના જણાવ્યા અનુસાર, તાજેતરમાં રાજ્યભરમાં પડેલા કમોસમી વરસાદથી કૃષિ પેદાશોને મોટા પાયે અસર થઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નુકસાનનો અંદાજ મેળવવા તાત્કાલિક સર્વેના આદેશ આપ્યા હતા. રાજકોટ જિલ્લામાં ૧૦૨ ટીમોએ ૬૫૨ ગામોમાં સર્વે પૂર્ણ કર્યો છે.
રાજકોટ, ધોરાજી, ગોંડલ, જામકંડોરણા, જસદણ, જેતપુર, કોટડા સાંગાણી, લોધિકા, પડધરી, ઉપલેટા અને વિંછિયા તાલુકામાં મગફળી, કપાસ, સોયાબીન, શાકભાજી તેમજ બાગાયતી પાકોનું નુકસાન નોંધાયું છે. મગફળીના પાથરા પલળી જવા, ઉગી જવા; કપાસમાં જીંડવા ખરી પડવા કે ઉગી જવા; સોયાબીનમાં પાથરા પલળવા કે ઉગાવો નીકળવો તેમજ દિવેલા, તુવેર, ઘાસચારા વગેરે પાકોમાં નુકસાન થયું છે.
તાલુકા પ્રમાણે સર્વે વિગતોઃ ધોરાજી (૩૬ ગામ), ગોંડલ (૮૭), જામકંડોરણા (૪૭), જસદણ (૬૦), જેતપુર (૫૫), કોટડા સાંગાણી (૪૧), લોધિકા (૩૮), પડધરી (૫૮), રાજકોટ (૧૨૯), ઉપલેટા (૫૫) અને વિંછિયા (૪૬) – કુલ ૬૫૨ ગામોમાં સર્વે નિયત સમયમાં પૂર્ણ થયો છે.
મુખ્યમંત્રીએ જૂનાગઢ અને ગીર સોમનાથમાં જાતે નિરીક્ષણ કર્યું હતું. જોકે, રાહત પેકેજમાં રાખેલી શરતોથી ખેડૂતોમાં અસંતોષ છે અને કોંગ્રેસના વસોયાએ તેને ખેડૂતોની મજાક ગણાવી છે.

