New Delhi,તા.11
દિલ્હી-એનસીઆરને ભયાનક આતંકવાદી હુમલાથી હચમચાવવાનુ ષડયંત્ર નાકામ બનાવીને પોલીસે પાંચ ત્રાસવાદીઓની ધરપકડ કરી છે. ઈસ્લામિક સ્ટેટ (આઈએસ) મોડયુલનો પર્દાફાશ કરીને અન્ય કેટલાંકને પણ ઉઠાવી લેવામાં આવ્યા છે.
બોંબ બનાવવાની સામગ્રી, દિલ્હીના નકસા સહિતની શંકાસ્પદ-વાંધાજનક સામગ્રી પણ જપ્ત કરવામાં આવી છે. આ પ્રકરણમાં નવા-ચોંકાવનારા ખુલાસા થવાની પણ સંભાવના છે.
દિલ્હી પોલીસના સોશ્યલ સેલ દ્વારા દિલ્હી, ઝારખંડ, મધ્યપ્રદેશ, મુંબઈ-મહારાષ્ટ્ર સહિત 12 સ્થળોએ એક સાથે દરોડા ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ તેમાં પાંચ શકમંદ ત્રાસવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી અને અન્ય કેટલાંકને અટકાયતમાં લેવાયા હતા.
આઈએસ મોડયુલનો પર્દાફાશ કરાયો હતો. દિલ્હીમાંથી બે, ઝારખંડમાંથી બે તથા મધ્યપ્રદેશમાંથી એકની ધરપકડ કરવામાં આવી હતી. અન્ય અટકાયતીની પુછપરછ ચાલુ છે તેમાં કોઈ પુરાવા મળે તો ધરપકડનો આંકડો વધી શકે છે.
આ કેસ સાથે સંકળાયેલા પોલીસના સૂત્રોએ કહ્યું કે ઝારખંડના રાચીમાંથી અશહર દાનિશ તથા આફતાબની ધરપકડ કરવામાં આવી હતી. તેમની પાસેથી હથિયારો તથા વિસ્ફોટક સામગ્રી જપ્ત થઈ હતી. બન્ને આઈએસ સાથે સંકળાયેલા હોવાનુ તથા રસાયણીક હથિયાર બનાવવાની ક્ષમતા ધરાવતા હોવાનુ બહાર આવ્યુ છે તેની પાસેથી હાઈડ્રોકલોરિક એસીડ, નાઈટ્રીક એસીડ, સલ્ફર પાઉડર તથા અન્ય વિસ્ફોટક સામગ્રી ઉપરાંત એક પિસ્તોલ, ડીજીટલ સંશોધનો તથા દિલ્હીના કેટલાંક ભાગોના નકસા મળી આવ્યા હતા.
દિલ્હીથી પકડાયેલા સુફિયાન તથા આફતાબ પાસેથી પણ હથિયાર તથા બોંબ બનાવવાની સામગ્રી જપ્ત કરવામાં આવી હતી. તપાસ એજન્સીઓનુ માનવુ છે કે ઈસ્લામિક સ્ટેટ (આઈએસ)ના આ મોડયુલ નવરાત્રી-દિવાળીના તહેવારો દરમ્યાન દિલ્હી-એનસીઆરમાં ભયાનક કૃત્યને અંજામ આપવાની ફિરાકમાં હતા.
પોલીસ ટીમોએ દિલ્હી, મુંબઈ, ઝારખંડ ઉપરાંત અન્ય રાજયોમાં કુલ 12 સ્થળોએ દરોડા ઓપરેશન હાથ ધર્યુ હતું. પકડાયેલા આતંકવાદીઓના વિદેશી ત્રાસવાદી સંગઠનો, પાકિસ્તાની આતંકી મોડયુલ, આઈએસઆઈ સાથે સંબંધો છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે. રાંચીથી પકડાયેલા અશહર દાનિશને સમગ્ર ષડયંત્રનો માસ્ટરમાઈન્ડ ગણાવવામાં આવી રહ્યો છે. પુછપરછમાં નવા ખુલાસા થવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે.
ભારતમાં આતંકી કૃત્ય આચરવાના ષડયંત્રના ભૂતકાળમાં પણ ખુલાસા થયા છે પરંતુ પકડાયેલા ત્રાસવાદીઓ પાસેથી કેમીકલ હથિયારની સામગ્રી મળ્યાનો કદાચ પ્રથમ બનાવ છે અને સુરક્ષા એજન્સી પણ ચોંકી ઉઠી છે.