Junagadh,તા.27
જુનાગઢની પટેલ કેળવણી મંડળ સંચાલિત એમ.એમ. ઘોડાસરા મહિલા કોલેજમાં ગત તા.26ના રોજ બંધારણ દિવસની દિન વિશેષ શ્રેણી અંતર્ગત ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પ્રિ.ડો. દિનેશ ડઢાણીયાએ જણાવ્યું કે 26 નવેમ્બર 1949ના રોજ ભારતનું બંધારણ અપનાવ્યું હતું પરંતુ તે 26 જાન્યુઆરી 1950ના રોજ અમલમાં આવ્યું હતું.
આ જ કારણે 26 નવેમ્બર બંધારણ દિવસ અને 26મી જાન્યુઆરી પ્રજાસતાક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ડો.બાબાસાહેબ આંબેડકરે ભારતીય બંધારણના ઘડવૈયા તરીકે પ્રમુખ ભૂમિકા ભજવી હતી. આજે પણ બંધારણની મૂળ પ્રત સંસદમાં રાખવામાં આવે છે. બંધારણ કુલ 251 પાનાનું છે અને એની એક વિશેષતા એ છે કે એ ટાઈપ કરેલું નથી પણ સુલેખન કરેલું છે. એના માટે પ્રેમ વિહાર નારાયણ રાયજાદાને બે વર્ષ અગિયાર મહિના અને 18 દિવસ જેટલો સમય લાગ્યો હતો.
બંધારણ સમિતિમાં કુલ 389 સભ્યો હતા. આ પ્રકારની દિન વિશેષ શ્રેણી અંતર્ગત બંધારણ દિવસ સ્થાપના વિશે વિગતપૂર્ણ માહિતી પ્રી.ડો. દિનેશભાઈએ પૂરી પાડી હતી. આ જ દિવસે પ્રસ્તુત વિષયને ધ્યાનમાં રાખીને 100 પ્રશ્ર્નોની કવીઝ ટેસ્ટ પણ રાખવામાં આવી હતી. જેનું સુચારૂ સંચાલન પ્રા.ડો. રમેશભાઈ સાગઠીયાએ કરેલ હતું.
આ દિન વિશેષ કાર્યક્રમના આયોજન બદલ પટેલ કેળવણી મંડળના મેનેજીંગ ટ્રસ્ટી કાંતિભાઈ ફળદુ, પ્રમુખ સવજીભાઈ મેનપરા, કોલેજ ઈ. રતીભાઈ ભુવા અને ટ્રસ્ટી મંડળે શુભેચ્છા પાઠવી હતી.

