Surendranagar,તા.25
સુરેન્દ્રનગર જિલ્લામાં શિક્ષણ અને વહીવટી માળખાને મજબૂત કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવી રહ્યા છે. એમ.પી.શાહ ગ્રાઉન્ડ ખાતે રૂ. 14.12 કરોડના ખર્ચે અત્યાધુનિક આર્ટ્સ કોલેજનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ કોલેજ ભવનનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.
આ ઉપરાંત, મુળી ખાતે રૂ. 4 કરોડના ખર્ચે નવી મામલતદાર કચેરીનું નિર્માણ કાર્ય પણ પ્રગતિ હેઠળ છે. આ નવીન કચેરી ભવન થકી સ્થાનિક ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને વહીવટી કામગીરી માટે વધુ સારી સુવિધાઓ મળશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર શિક્ષણ ક્ષેત્રના માળખાને વધુ સુદૃઢ બનાવવા સતત પ્રયત્નશીલ છે. નવી આર્ટ્સ કોલેજના નિર્માણથી જિલ્લાના વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે આધુનિક સુવિધાઓ મળશે. સાથે જ, વહીવટી માળખાને પણ વધુ કાર્યક્ષમ બનાવવામાં આવી રહ્યું છે. જેથી નાગરિકોને સરકારી સેવાઓનો લાભ ઝડપથી અને સરળતાથી મળી રહે.