Rajkot, તા.17
છેલ્લા ઘણા દિવસોથી ઉકળાટ અને ગરમીથી પરેશાન રહેલા રાજકોટવાસીઓ આખરે હાલ રાહતનો અનુભવ કરી રહ્યા છે. ગત તા.14 ને શનિવાર સાંજેથી જ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી રાજકોટમાં થયેલ છે. રાજકોટ શહેર તેમજ રાજકોટ જિલ્લાના ગ્રામ્ય પંથકોમાં સાંજના 6 વાગ્યા બાદ વાતાવરણમાં પલટો નોંધાયો હતો. રાજકોટ શહેરમાં સાંજના 6 વાગ્યાથી લઈ સાડા સાત વાગ્યા સુધી અંદાજિત 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો.
તે પછીથી સુરજદાદાએ તેના દર્શન દુર્લભ કર્યા છે. શનિવારે સાંજે પડેલ વરસાદ બાદ રવિવારે મેઘરાજાએ વિરામ લીધો હતો પરંતુ ગઈકાલે સાંજથી જ મેઘરાજાએ ફરી વરસ્યા હતા. શહેરમાં ગઇકાલ સાંજેથી ધીમીધારે વરસાદ શરૂ થયો છે.
વરસાદ શરૂ થતાં વાતાવરણમાં થોડી ઠંડક પ્રસરી ગઈ છે, પરંતુ શનિવારે પડેલ વરસાદ બાદ લોકોએ આકરા બફારાનો સામનો પણ કરવો પડ્યો હતો. ગઈકાલ સાંજથી શરૂ થયેલ વરસાદ સતત આખી રાત સતત ધીમીધારે વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. મહાનગરના વિવિધ વિસ્તારોમાં રસ્તાઓ ધોવાઈ ગયા હતા.
શહેરમાં ગઈકાલે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળતું હતું. જેની વચ્ચે ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. રાતભર વરસાદ ધીમીધારે વરસતો રહ્યો, જેને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને લોકો ઉનાળાની આકરી ગરમીથી થોડી રાહત અનુભવી છે. શહેરના કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ, નાનામવા રોડ, મવડી, પેડક રોડ, ગોંડલ ચોકડી, 150 ફૂટ રીંગ રોડ, માધાપર ચોક સહિતના વિસ્તારો વરસાદથી ભીંજાઈ ગયા હતા.
ગઈકાલ સાંજે શરૂ થયેલ વરસાદનો પ્રભાવ આજે સવારે પણ અનુભવાયો હતો. જ્યાં શાળાઓમાં વિદ્યાર્થીઓ રેઇનકોટ અને છત્રી સાથે પહોંચી રહ્યા હતા.
સ્થાનિક લોકો ઉપરાંત ખેડૂતોમાં પણ ભારે આનંદની લાગણી જોવા મળી રહી છે.
ખેડૂતોને આશા છે કે, વરસાદનું એંધાણ ખેતરમાં વાવણી માટે અનુકૂળ સાબિત થશે. સીઝનના આ પહેલા શરૂઆતની ધમાકેદાર શરૂઆતની સાથે આ રીતે મેઘરાજાનું સ્વાગત થવું રાજકોટ માટે શુભ સંકેત માનવામાં આવી રહ્યું છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજકોટમાં અત્યારસુધીમાં સરેરાશ 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. રાજકોટ શહેર ઉપરાંત નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાનું આગમન થયું છે. શહેરના લોકોમાં આનંદ છવાઈ ગયો છે.
ઉનાળાના અસહ્ય ગરમાવા બાદ વરસાદના આગમનથી રાજકોટીઓમાં આનંદની લાગણી પ્રસરી ઊઠી છે. હવામાન વિભાગે આગામી 48 કલાક માટે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે