Rajkot, તા.15
દિવાળીનાં તહેવારો શરૂ થઇ ગયા છે અને સર્વત્ર આનંદ-ઉલ્લાસ છવાઇ રહ્યો છે પરંતુ રેશનીંગનાં જરૂરીયાતમંદ લાભાર્થીઓમાં હોળીનો માહોલ છવાયો છે. કારણ સમસ્યા વર્ષો જુની એની એ જ છે પુરવઠાનું સર્વર લાંબા સમયથી તહેવારો ટાણે જ ઠપ્પ થઇ જતુ સર્વર છેલ્લા એક સપ્તાહથી સતત ધાંધીયા સર્જી રહ્યું છે.
આજે સતત આઠમા દિવસે પણ સવારથી સદંતર ઠપ્પ છે. આથી રાજકોટ સહિત રાજયભરનાં લાખો દુકાનદારો દિવાળીનો જથ્થો લેવા ટળવળી રહ્યા છે. તો બીજી તરફ રેશનીંગનાં દુકાનદારોને લાભાર્થીઓના અતિ કટુ વચન સહન કરવાનો વારો આવ્યો છે.
આ સર્વરની સમસ્યાથી લોકોને કેવી કેવી મુશ્કેલી સહન કરવી પડે છે. તેનો તાજો દાખલો આજનો જ છે. શહેરનાં બજરંગવાડી અને ગાંધીગ્રામ વિસ્તારમાં પણ સર્વર સવારથી જ સતત બંધ હોય કંટાળેલા ગ્રાહકો વેપારીઓ સાથે ઉગ્ર રકઝક ઉપર આવી ગયા હતા.
આ વિસ્તારનાં રેશનીંગનાં એક દુકાનદાર જોશીભાઇએ જણાવેલ હતું કે, એક સપ્તાહથી પુરવઠાનું સર્વર રગડ-ધગડ ચાલે છે અને ગ્રાહકોને સતત ધકકા ખાવા પડી રહ્યા છે. આજે તો સવારથી જ સર્વર બંધ થઇ જતા ઉશ્કેરાયેલા ગ્રાહકોએ ગાળા-ગાળી કરી હતી.
દુકાનો ઉપર ગ્રાહકોની લાંબી કતારો, વેપારીઓ સાથે ભારે માથાકુટ આ દ્રશ્યો અનેક સ્થળોએ જોવા મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, સપ્તાહથી પુરવઠા સર્વરના ધાંધિયા ફરી શરૂ થયા છે એક બાજુ ડી.એસ.ડી ફ્રેન્ડલી વહીવટી તંત્ર અને રાજ્યનું નિગમ માંડ કરીને જથ્થો દુકાને પહોંચાડે છે અને વિતરણ ચાલુ થાય છે.
ત્યારે દર મહિને પુરવઠા વિભાગનું સર્વર ખોટકાઈ જાય છે આવી પરિસ્થિતિ દર મહિનાની હોય છે ગ્રાહકો સર્વરના ધાંધિયાને કારણે દુકાને ટળવળતા હોય છે દુકાનદારો મોઢું વકાસીને બેસે ગ્રાહકોના આડાઅવળા સવાલોના જવાબો આપે માથું કુટે વાજબી ભાવના દુકાનદારોની સ્થિતિ સુડી વચ્ચેની સોપારી જેવી થાય છે
એક તો નજીવા કમિશનથી કામ કરતા હોય છે અને કમિશન પણ સમયસર ચૂકવાતું નથી અને જે કમિશન ચૂકવાઇ છે તે કટકે કટકે ચુકવાઇ છે આમ સરકાર તરફથી પણ ગુજરાત રાજ્યના વ્યાજબી ભાવના દુકાનદારોનું ભયંકર આર્થિક શોષણ થઈ રહ્યું છે .
ત્યારે સર્વરમાં થતી વારંવાર ટેકનિકલ ખામીઓને લીધે દુકાનદારોએ માનસિક યાતનાઓ પણ ભોગવવવી પડે છે લાખો રૂપિયાનો પગાર પાડતા અને એ.સી ચેમ્બર માં બેસતા અધિકારીઓ તથા પ્રજા કલ્યાણ માટે ચુંટાયેલા જન પ્રતિનિધિઓને પણ પ્રજાની હાલાકી માટે પેટનું પાણી નથી હલતુ.
રાજકોટ મહાનગર પાલીકાના અઢાર વોર્ડના નગર સેવક ચાર ધારાસભ્યો અને બે સાંસદ સભ્યો મળીને કુલ 78 જન પ્રતિનિધિઓએ પ્રજાની આ કાયમી પીડાનું સમાધાન થાય એ માટે પોતાની જવાબદારી સમજી અને આગળ આવવું જોઈએ.
આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ ગરીબ લોકોને આપવામાં આવતુ મફત અનાજ મેળવવા માટે જરૂરીયાતમંદ લોકોને દર મહીને ટળવળવું ન પડે એ માટે સરકારશ્રી માં યોગ્ય કક્ષાએ સચોટ રજૂઆત કરવી જોઈએ.
જેથી પ્રજાને પડતી રોજબરોજની મુશ્કેલીઓનો અંત આવે પોતાની રોજગારી ધંધા છોડીને સસ્તા અનાજની દુકાનોના ધક્કા બંધ થાય અને લોકોને પારાવાર માનસિક યાતનાઓ માંથી છુટકારો મળે વ્યાજબી ભાવના દુકાનદારોના હિત માટે સતત લડતા ઓલ ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એસોસિએશન દ્વારા સર્વરના ધાંધિયા માટે વારંવાર ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવે છે. પરંતુ આ સર્વરની સમસ્યાનો કાયમી ઉકેલ થતો નથી.