Gandhinagar, તા.4
રાજ્યના ખેડૂતોના હિતમાં ખાતરની ઉપલબ્ધિ અને વિતરણ પ્રક્રિયા વધુ કાર્યક્ષમ બને તે માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ પગલાં ભર્યાં છે. ખેડૂતોની સમસ્યાઓને ઝડપી અને યોગ્ય રીતે ઉકેલવા માટે હવે ખાતર વિતરણ વ્યવસ્થાને લગતી મુશ્કેલીઓ માટે રાજ્ય, જિલ્લો અને તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમની રચના કરાઈ છે.
આ કામગીરી ખેતી નિયામકની કચેરીના નિર્દેશ હેઠળ હાથ ધરાઈ છે. ખેડૂત સંબંધી રજૂઆત તથા મુશ્કેલી ધ્યાને આવે તે અને તેના ત્વરિત નિરાકરણ કરવામાં આવશે.
ખેતી નિયામક કચેરીની દ્વારા રાજ્ય કક્ષાએ, જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યા છે. જેમાં રાજ્ય કક્ષાએ ફરિયાદ માટે રાજ્ય કક્ષાના કંટ્રોલ રૂમ દ્વારા 079-23256080 હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ પણ ખાતર સંદર્ભે રજૂઆત, ઉપલબ્ધિ અને માહિતી માટે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે. રાજ્યના ખેડૂતો આ સાથે આપેલી યાદીમાં જણાવ્યા અનુસાર, હેલ્પલાઈન નંબર પર સંપર્ક કરીને ખાતરની ઉપલબ્ધતા, વિતરણ કે અન્ય બાબતો અંગે રજૂઆત કરી શકશે. આ હેલ્પલાઈન નંબર સવારે 8 થી રાત્રે 8 કલાક સુધી કાર્યરત રહેશે. તેમ ખેતી નિયામક કચેરીની યાદીમાં જણાવાયું છે.