Ahmedabad,તા.૨૨
ગુજરાતના જાણીતા લોકસાહિત્યકાર દેવાયત ખવડ ફરી વિવાદમાં આવ્યા છે. અમદાવાદના ચાંગોદર પાસે દેવાયત ખવડની ગાડી પર હુમલો થવાની ઘટના બની છે. જોકે, હુમલો થયો તે સમયે દેવાયત ખવડ ગાડીમાં હાજર ન હતા. આ મુદ્દે ચાંગોદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગઈકાલે રાત્રે દેવાયત ખવડની કાર પર હુમલો થયો હતો. ત્યારે આ અંગે ચાંગોદર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. ત્રણ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. સનાથલ ગામમાં દેવાયત ખવડના ડાયરોનું આયોજન કરાયું હતું. પરંતું દેવાયત ખવડ ડાયરા સમયે હાજર રહ્યા ન હતા. બીજી તરફ, દેવાયત ખવડ આણંદ સોજીત્રા ખાતે ડાયરામાં પહોંચ્યા હતા. જેથી ડાયરામા હાજર નહીં રહેતા હુમલો થયાનું અનુમાન છે. દેવાયત ખવડે એક જ દિવસમાં બે ડાયરાના કાર્યક્રમ રાખ્યા હતા. તેઓ એક કાર્યક્રમમાં હાજર રહ્યા હતા, પરંતુ બીજા કાર્યક્રમમાં કોઈ કારણોસર હાજર રહ્યા નહોતા. આ ગેરહાજરીને કારણે બીજા કાર્યક્રમના આયોજકો અને લોકોમાં નારાજગી ફેલાઈ હતી, જે બાદમાં બબાલમાં પરિણમી હતી.
ગઈકાલે રાત્રે ડ્રાઈવર કાર લઈને અમદાવાદ તરફ આવી રહ્યો હતો ત્યારે કાર પર હુમલો થયો હતો. હુમલો કરનાર દેવાયત ખવડની કાર લઈ ગયા હોવાનો પણ આક્ષેપ કરાયો છે. સનાથલ ગામના બે અને સાણંદના એક વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ છે.
કાર પર હુમલો થયા બાદ દેવાયત ખવડની કાર ગાયબ થઈ ગઈ હતી. ગઈકાલ અમદાવાદ ગ્રામ્યમાં દેવાયત ખવડે બે પ્રોગ્રામમાં હાજર રહેવા ડીલ કરી હતી. આયોજકે હાજર રહેવા માટે રૂપિયા આપ્યા હતા. દેવાયત ખવડ સનાથલ અને સાણંદ પાસેના પ્રોગ્રામમાં હાજર રહેવાનો હતો. આ ઘટનામાં ચર્ચા એવી થઈ રહી છે કે, બે પ્રોગ્રામ પૈકી સનાથલ પાસેના પ્રોગ્રામમાં હાજર ન રહેતા આયોજકોમાં રોષ હતો અને કાર લેવા બીજા દિવસે પહોંચતા કાર પર હુમલો કરાયો હતો.