Maharashtra તા.7
મહારાષ્ટ્રમાં ફરી એક વખત અજીત પવાર કુટુંબ વિવાદમાં સપડાઈ ગયું છે. રાજયના નાયબ મુખ્યમંત્રીના પુત્ર પાર્થ પવારના રૂા.300 કરોડના પુનાના જમીનના સોદા મુદે રાજયના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે તપાસના આદેશ આપ્યા છે.
જો કે અજીત પવારે પોતાને આ વિવાદ સાથે કશું લાગતુ વળગતુ નહી હોવાનો દાવો કર્યો છે. પાર્થ પવારની એક કંપનીને સરકારી જમીન ગેરરીતિ આચરીને વેચી દેવામાં આવી છે. જો કે આ અંગે માહિતી બહાર આવતા જ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે હાલ સમગ્ર સોદાને સ્થગીત કરવા આદેશ આપ્યો છે. બીજી તરફ આ સંદર્ભમાં તહેસીલદાર અને સબરજીસ્ટ્રારને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
અજીત પવારે દાવો કર્યો કે મારે દુર દુર સુધી આ સોદા સાથે કોઈ સંબંધ નથી. જો કે તેમના પુત્રના નામ આ સોદા સાથે જોડાતા જ તેમણે કહ્યું કે જયારે સંતાનો મોટા થાય તો તેઓ પોતાનો બિઝનેસ કરતા હોય છે.
પાર્થ પવારની એક કંપનીએ સ્થાનિક તહેસીલદાર અને અન્ય અધિકારીઓ સાથે સાંઠગાંઠ કરીને રૂા.1800 કરોડની જમીન ફકત રૂા.300 કરોડમાં ખરીદી હોવાનું બહાર આવ્યું હતું અને તેના અહેવાલ પ્રસિદ્ધ થતા જ જબરો હોબાળો મચી ગયો હતો. 40 એકરની મહાર વતન તરીકે ઓળખાતી આ જમીન એ રિયલ એસ્ટેટમાં એક કિંમતી સ્થળ ગણાય છે અને શરદ પવારના પુત્ર ઉપરાંત દિગ્વીજય પાટીલ નામના એક વ્યક્તિ પણ તેમાં ભાગીદાર છે.

