સુદિપ્તો સેનની ફિલ્મ ‘ધ કેરલ સ્ટોરી’ ૫ મે ૨૦૨૩ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી
Mumbai, તા.૪
ફિલ્મ દિગ્દર્શકની ફિલ્મ ‘ધ કેરલ સ્ટોરી’ને ૭૧મા નેશનલ ફિલ્મ એવોડ્ર્સમાં બેસ્ટ ડિરેક્શન અને બેસ્ટ સિનેમેટોગ્રાફીનો એવોર્ડ મળ્યો છે. જોકે, ફિલ્મે એવોર્ડ જીતવા પર કેરલના મુખ્યમંત્રી પિનારાઇ વિજયને તેની નિંદા કરી હતી. કેરલના મુખ્યમંત્રી પિનારાઇ વિજયને ટિ્વટર હેન્ડલ પર પોસ્ટ શેર કરતા કહ્યું, ‘એક એવી ફિલ્મને સન્માન આપવું, જે કેરલને બદનામ કરતી હોય અને સાંપ્રદાયિકતા ફેલાવતી હોય તે ખરેખર ચિંતાની વાત છે. રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જ્યુરીએ એક એવી જ ફિલ્મની સ્ટોરીને માન્યતા આપી છે જે સંઘ કે પરિવારમાં નફરત ફેલાવવાની વિચારધારા પર આધારિત હોય.’તેમણે આગળ જણાવ્યું કે, કેરલ હંમેશા શાંતિ અને ભાઈબંધીની ભાવના માટે જાણીતું છે. આ ફિલ્મને એવોર્ડ મળતા કેરલના લોકોનું અપમાન થયું છે. આ એવોર્ડ માત્ર મલયાલમ લોકોની જ નહીં પણ તે દરેક વ્યક્તિની ચિંતા છે જે લોકતંત્ર અને બંધારણના મૂલ્યોમાં માને છે. તેમણે લોકશાહી પ્રેમી નાગરિકોને આ નિર્ણય સામે અવાજ ઉઠાવવાની અપીલ કરી.કેરલના શિક્ષણમંત્રી વી. શિવનકુટ્ટીએ પણ આ મામલે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કેરલના રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર જીતનાર ઉર્વશી, વિજયરાઘવન અને ક્રિસ્ટો ટોમીને શુભેચ્છા આપી હતી, પણ ‘ધ કેરલ સ્ટોરી’ને પુરસ્કાર આપવાના નિર્ણયની નિંદા કરી હતી. તેમણે કહ્યું કે, ‘નફરત અને પાયાવિહોણા આરોપને ફેલાવવા બનાવેલી ફિલ્મને સન્માન આપવું, તે બાકી પુરસ્કારના ગરિમાને ઘટાડે છે.’જણાવી દઈએ કે, સુદિપ્તો સેનની ફિલ્મ ‘ધ કેરલ સ્ટોરી’ ૫ મે ૨૦૨૩ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ફિલ્મ પર કથિત રીતે પુરાવાને ખોટી રીતે રજૂ કરવા અને કેરલને નફરત અને સાંપ્રદાયિકતા ફેલાવવાના આરોપનો સામનો કરવો પડ્યો હતો.