Surat,તા.21
સુરત પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કઠોદરા પ્રાથમિક શાળામાં સિક્યુરિટી કૌભાંડ હવે રાજકીય રંગ પકડી રહ્યું છે. કૌભાંડ બાદ સમિતિએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. શાળાના કૌભાંડમાં શિક્ષક ભૂમિકા હોય કલ્પેશ પટેલની બદલી કરતા કોન્ટ્રાક્ટરની પત્નીએ વાલીઓને હાથો બનાવી આંદોલન કર્યું હતું. આ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી અને હવે વિદ્યાર્થીઓનો ઉપયોગ આંદોલન માટે કરવા બદલ ગાંધીનગર મહિલા અને બાળ વિકાસ વિભાગને ફરિયાદ કરવામાં આવી છે. જેમાં બાળકોનું શિક્ષણ બગાડવા બદલ પગલા ભરવા અને સામાજિક તત્ત્વોને પ્રા.શાળામાં એન્ટ્રીની પણ પાબંધી માટે પણ થઈ માગણી કરવામાં આવી છે.
સુરતના કઠોદરા વિસ્તારમાં શિક્ષણ મંત્રીએ શાળાનું લોકાર્પણ કર્યું ત્યારબાદથી આ શાળામાં સિક્યુરિટી કૌભાંડ ચાલી રહ્યું છે. એક ગાર્ડની હાજરી પુરીને ત્રણ ગાર્ડનો પગાર લેવામાં આવતો હોવાનું બહાર આવતા શાસનાધિકારીએ ફરિયાદ કરી હતી. પાલિકામાં વિવાદી કામગીરી કરતાં કોન્ટ્રાક્ટર સામે 3.67 લાખની પેનલ્ટી કરી પોલીસ કેસ કરવામાં આવ્યો હતો. આ કેસમાં ઈન્ચાર્જ આચાર્યની પણ ભૂમિકા બહાર આવતાં શિક્ષણ સમિતિએ તપાસમાં વિઘ્ન ન આવે તે માટે તેની બદલી કરી દીધી હતી.
શનિવારે (19 જુલાઇ) વિદ્યાર્થીઓએ રોડ બ્લોક કરીને કલ્પેશ પટેલની બદલી સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને લસકાણા પોલીસ દોડતી થઈ હતી. પોલીસની કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટર કાળુની પત્ની રિંકલ જે સ્કૂલ મેનેજમેન્ટ કમિટી સભ્ય છે તેની ઉશ્કેરણી બહાર આવી હતી. તેઓએ પાલિકાની તમામ સ્કૂલમાં આ પ્રકારની જ કામગીરી ચાલ છે, તો માત્ર એક જ સ્કુલને ટાર્ગેટ કેમ બનાવવામાં આવે છે? તેમ કહીને શિક્ષણ મંત્રી હાય હાયના નારા લગાવ્યા હતા. આ સમગ્ર પ્રકરણ બાદ પોલીસ અને શિક્ષણ સમિતિની તપાસ ચાલી રહી છે. દરમિયાન એક નાગરિક દ્વારા ગાંધીનગર મહિલા અને બાળ વિકાસ વિભાગને ફરિયાદ કરવામાં આવી છે.
આ ફરિયાદમાં જણાવ્યું છે કે, કઠોદરા પ્રાથમિક શાળાના બાળકોનું અસામાજિક તત્ત્વો દ્વારા બાળકોનો ઉપયોગ કરી બાળકો દ્વારા રસ્તા રોકો આંદોલન કરાવવામાં આવ્યું છે. આચાર્યાની બદલી બાદ અસામાજિક તત્ત્વો દ્વારા વાલી ગ્રુપમાં મેસેજ નાખી તમામ વાલીઓને સમર્થન માટે પર શાળા પર આવવા જણાવેલ હતું. પરંતુ વાલી હાજર ન રહેતા આ અસામાજિક તત્ત્વો દ્વારા પ્રી પ્લાનિંગ આગલી રાત્રે કરવામાં આવેલ હતું.
જેઓના નામ કલ્પેશ ડોબરિયા, પંકજ ડોબરિયા ખોડીદાસ, હેતલ બાબરિયા, રીન્કલ પોશીયા, રજની કાછડિયા, વિપુલ રામાણી, તેમજ અન્ય અસામાજિક તત્ત્વો દ્વારા સ્કૂલના બાળકોનો ઉપયોગ કરી તમામ બાળકોને રસ્તા પર સુવડાવી દીધા અને તમામ બાળકોને ગેરમાર્ગે દોરી બાળકોને શિક્ષણ કાર્યથી પણ વંચિત રાખવામાં આવ્યા હતા. આ ઘણી જ ગંભીર બાબત છે તેથી આવા અસામાજિક તત્ત્વોને પ્રા.શાળામાં એન્ટીની પણ પાબંધી કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી રહી છે.
જોકે, કઠોદરા શાળામાં સિક્યુરિટી કૌભાંડ થયેલી કાર્યવાહી બાદ રાજકીય રંગ પકડાયો છે અને આગામી દિવસોમાં આ અંગે વધુ વિવાદ બહાર આવે તેવી શક્યતા નકારી શકાતી નથી.