Surendranagar તા.8
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી બજાણા રોડ પર આવેલા સોલાર પાવર પ્લાન્ટમાંથી રૂ. 1.50 લાખના 480 મીટર કોપર વાયરની ચોરી થઈ છે. આ ચોરી અંગે પાવર પ્રોજેક્ટના સુપરવાઈઝરે પાટડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
પાટડી બજાણા રોડ પર રેલવે ફાટક પાસે આવેલા રાજેશ પાવર સર્વિસીસ લિમિટેડ સોલાર પ્લાન્ટમાંથી અજાણ્યા તસ્કરોની ગેંગે રાત્રીના અંધારામાં પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ પ્લાન્ટમાંથી રૂ. 1,50,000ની કિંમતનો 50 સ્કેવર એમ.એમ.નો 480 મીટર ડબલ કોટેટ કોપર વાયર ચોરી કર્યો હતો. ચોરી કર્યા બાદ તસ્કરો અંધારામાં ફરાર થઈ ગયા હતા.
આ બનાવ અંગે રાજેશ પાવર સર્વિસીસ લિમિટેડ સોલાર પ્લાન્ટમાં છેલ્લા 12 વર્ષથી સુપરવાઇઝર તરીકે નોકરી કરતા વિષ્ણુભાઈ આત્મારામભાઈ પટેલે ફરિયાદ નોંધાવી છે. તેમણે પ્લાન્ટમાં સિક્યુરિટી સાથે મળીને પાટડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
પાટડી પોલીસે ચોરી અંગેનો ગુનો દાખલ કરી અજાણ્યા તસ્કરોની ગેંગને પકડવા માટે તપાસ શરૂ કરી છે. આ કેસની વધુ તપાસ પાટડી પોલીસ મથકના જે.કે.મકવાણા ચલાવી રહ્યા છે.