એક જ પરિવારના સભ્યો અને હરિદ્વારથી આવેલા વ્યકિતને સંક્રમણ : તમામની તબિયત સાધારણ..
Saurashtra તા.27
ગુજરાત સહિત દેશમાં ફરી કોરોનાના કેસ વધ્યા છે ત્યારે સૌરાષ્ટ્રમાં પણ પગપેસારો વધ્યો છે. ગઇકાલે જામનગરમાં એક સાથે સાત કેસ નોંધાયા છે. તો રાજકોટમાં વધુ ચાર કેસ નોંધાયા છે. આ સિવાય ભાવનગર જિલ્લામાં પણ નવો કેસ નોંધાયો છે.
ગઇકાલે જામનગર શહેર માં એક સાથે સાત નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. તેથી આરોગ્ય વિભાગ ની દોડધામ વધી જવા પામી છે. કામદાર કોલોની માં રહેતા એક જ પરિવારના ચાર સભ્યો કોરોનાથી સંક્રમિત બન્યા છે.
જ્યારે ઘાંચી વાડ માં બે કેસ અને પાર્ક કોલોની માં એક કેસ નોંધાયો છે. તમામ સાત દર્દીઓ ને હોમ કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. તમામ દર્દીની હાલત સામાન્ય છે. તેઓને હળવા લક્ષણો ધરાવતા હોવાથી હોમ-આઈસોલેટ કરાયા છે.
કોઈને હોસ્પિટલમાં દાખલ કરાયા નથી અને એકટીવ કેસ 10 થયા છે. બીજી તરફ હરિદ્વાર જઈને ભાવનગરના રંઘોળા પરત આવેલા આધેડ કોરોનાથી સંક્રમિત થયા છે. કોરોનાગ્રસ્ત આધેડની સ્થિતિ સામાન્ય હોવાનું જાણવા મળ્યુ છે. 55 વર્ષના આધેડ કોરોનાથી સંક્રમિત થયા છે.
તેમને શરદી ઉધરસની તકલીફ હોવાથી તેમનો ટેસ્ટ કરવામાં આવતા તેઓ કોરોના પોઝિટિવ હોવાનું માલુમ પડયુ હતુ.તેઓ હોમ આઇસોલેટેડ છે. જિલ્લામાં બે દર્દી સ્વસ્થ થયા બાદ આ નવો હળવો કેસ આવ્યો છે.