Ahmedabad,તા.26
અમેરિકાનાં 50 ટકા ટેરીફને પગલે ભારતીય ગારમેન્ટ-ટેકસટાઈલ નિકાસકારો સ્પર્ધામાં ટકી શકે તે માટે કેન્દ્ર સરકારે આયાત પર 30 સપ્ટેમ્બર સુધીની જકાત મુકિત જાહેર કરી છે તેની અસરે ભાવમાં ગાબડુ પડયું છે. સરકારી એજન્સી કોટન વેચાણભાવ ઘટાડવાની સાથોસાથ અમર્યાદિત ધોરણે ટેકાના ભાવે કપાસની ખરીદી કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.
ભારત સરકારે 30 સપ્ટેમ્બર સુધી 41 દિવસ માટે કપાસ પરની આયાત જકાત નાબુદ કરી છે. આંતર રાષ્ટ્રીય માર્કેટની સરખામણીએ ભારતમાં રૂના ભાવ 9 થી 10 ટકા ઉંચા હતા. વૈશ્ર્વિક માર્કેટને ધ્યાને રાખીને આયાત જકાત મુકિત જાહેર કરવામાં આવી હતી.
કોટન એસોસીએશન ઓફ ઈન્ડિયાના કથન મુજબ આયાત જકાત મુકિત જાહેર થયા બાદ ભારતીય માર્કેટમાં ભાવ રૂા.2000 ઘટીને 55000 થઈ ગયા છે. કોટન કોર્પોરેશને પણ ભાવમાં 1100 નો ઘટાડો કર્યો છે અને તેના ભાવ 54000 થયા છે.
નિકાસ વિન્ડોને સમયગાળો વધારવા માટે ગારમેન્ટ-ટેકસટાઈલ્સ ક્ષેત્રના વિવિધ સંગઠનોએ સરકારમાં રજુઆત કરી છે. આયાત જકાત મુકિતના ગાળામાં વધુ ત્રણ લાખ ગાંસડીનો સ્ટોક ઉભો થવાનું અનુમાન છે.
નિકાસકારોને રાહત આપવાના પગલાથી વિપરીત અસર હેઠળ લોકલ માર્કેટમાં રૂ-કપાસનાં ભાવ ઘટી ગયા છે તેને કારણે ખેડુતોમાં ગણગણાટ છે. આ સાઈડ ઈફેકટ દુર કરવા માટે ટેકાના ભાવે કપાસની ખરીદી મોટા પ્રમાણમાં અને અમર્યાદિત ધોરણે કરવાની તૈયારી કરવામાં આવી છે.
કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના મેનેજીંગ ડાયરેકટર લલીતકુમાર ગુપ્તાએ કહ્યું કે આ વર્ષે એજન્સી વધુ સક્રિય રહેશે. ખરીદીમાં કોઈ મર્યાદા રાખવામાં નહિં આવે. ગત વર્ષે એક કરોડ ગાંસડીની ખરીદી કરી હતી. કોરોના વર્ષમાં બે કરોડ ગાંસડી ખરીદવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે આયાત જકાત રદ કરાતા રૂના ભાવમાં સરેરાશ ચાર ટકાનો ઘટાડો છે.માર્કેટ યાર્ડોમાં કપાસના ભાવ 1300 થી 1650 આસપાસ કવોટ થઈ રહ્યા છે. વધુ ઘટાડો થશે કે કેમ તેના પર મીટ છે.