Surendaranagar , તા.1
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા ગામના રાજપર ગામના યુવાને 4 વર્ષ પહેલા વસાડવાના પરિવારની દિકરી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. હાલ દંપતી દસાડાના અખીયાણામાં રહે છે. ત્યારે પ્રેમલગ્નનું મનદુઃખ રાખી યુવાનના સાળા સહિત બે આરોપીએ દંપતીને માર મારી પતિનું અપહરણ કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.મુળ ધ્રાંગધ્રા તાલુકાના રાજપર ગામના 22 વર્ષીય રવિભાઈ ગોરધનભાઈ વાઘેલા ખેતમજુરી કરે છે.
તેઓ હાલ દસાડા તાલુકાના અખીયાણા ગામે રહે છે. પાંચેક વર્ષ પહેલા તેઓએ વસાડવાના મનીશાબેન બચુભાઈ સાથે પ્રેમલગ્ન કરેલ છે. ગત તા. 25-10ના રોજ સાંજે તેમના સાળા રાજુ બચુભાઈએ ફોન કરી રવિભાઈને વસાડવા ચોકડીએ બોલાવ્યા હતા. પરંતુ કામ હોવાથી રવિભાઈ ગયા ન હતા. ત્યારે તે જ દિવસે રાતના 11 કલાકે રાજુ બચુભાઈ અને રવિભાઈના કાકાનો દિકરો રમેશ માવજી રિક્ષા લઈને આવ્યા હતા.
રાજુએ તને બોલાવ્યો છતાં કેમ ન આવ્યો, મારી બહેન સાથે ભાગીને લગ્ન કરે છે અને પાછો દોઢ ડાહ્યો થાશ તેમ કહી બોલાચાલી કરી હતી. અને બન્ને રિક્ષામાંથી કુહાડી અને લાકડી લઈને આવી રવિભાઈને માર માર્યો હતો. જેમાં મનીશાબેન વચ્ચે પડતા તેમના પર પણ કુહાડી વડે હુમલો કરાયો હતો. બાદમાં બન્ને આરોપીઓ રવિભાઈને રિક્ષામાં નાંખી અપહરણ કરીને લઈ ગયા હતા.
વધુ મારના લીધે રવિભાઈ બેભાન થઈ ગયા હતા. અને વહેલી સવારે 4 કલાકે તેઓને ભાન આવતા તેઓ વસાડવા ચોકડી પાસે હતા. આથી તેઓને 108 દ્વારા સારવાર માટે સુરેન્દ્રનગર લઈ જવાયા હતા. આ અંગે બજાણા પોલીસ મથકે રાજુ બચુભાઈ અને રમેશ માવજીભાઈ સામે અપહરણ અને મારામારીની ફરિયાદ નોંધાતા વધુ તપાસ પીઆઈ એમ. બી. બામ્બા ચલાવી રહ્યા છે.

