Vadodara,તા.10
ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ એચ.ડી. સુથારે બુધવારે વડોદરા પોલીસને વડોદરા સ્થિત મહિલા ગાયનેકોલોજિસ્ટ અને તેમની ટીમ સામે એફઆઈઆર નોંધવા સંબંધિત મામલાની તપાસ કરવાનો આદેશ આપ્યો છે, જેમની સામે એક દંપતીએ આરોપ લગાવ્યો છે કે IVF સારવાર દરમિયાન ઉપયોગમાં લેવાયેલા અન્ય વ્યક્તિના વીર્ય (સ્પર્મ)ના કારણે તેમને પુત્રીનો જન્મ થયો છે.
કેસની વિગતો મુજબ, એક દંપતીએ 2023માં વડોદરામાં ઓએસિસ ફર્ટિલિટીનો સંપર્ક કર્યો હતો અને ડો. સુષ્મા બક્ષીની સલાહ લીધી હતી. શરૂઆતની તપાસ દરમિયાન, ડોક્ટરે પતિને વીર્યમાં અસામાન્યતા દર્શાવતી હોવાથી સુધારા માટે દવા લખી આપી હતી.
થોડા મહિનાઓ પછી, દંપતી ફરીથી ગયા અને મહિલા દર્દીએ ઇન્ટ્રાઉટેરાઇન ઇન્સેમિનેશન (IUI) પ્રક્રિયા કરાવી પરંતુ તેનું કોઈ પરિણામ આવ્યું નહીં. બાદમાં, ડોક્ટરોએ IVF સારવાર શરૂ કરવાની સલાહ આપી અને દંપતીએ રૂ. 5.50 લાખનો ચાર્જ જમા કરાવ્યો.
ગયા વર્ષે 31 માર્ચે ડોક્ટરોની ટીમે પતિના વીર્યના નમૂના અને ક્રાયોપ્રિઝર્વ્ડ (વીર્ય ફ્રીઝ) એકત્રિત કર્યા હતા. ત્યારબાદ, પ્રથમ IVF (ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન) પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી પરંતુ કોઈ પરિણામ મળ્યું ન હતું. પાછળથી IVF ની બીજી પ્રક્રિયામાં મહિલા ગર્ભવતી થઈ હતી અને ગત 22 એપ્રિલે બાળકીને જન્મ આપ્યો હતો.
કેવી રીતે શંકા ગઈ કે બાળક એમનું ન હોય શકે ?
સગીર બાળકીના જન્મ સમયે, તે બીમારીથી પીડાતી હોવાનું જાણવા મળ્યું. પરિણામે, બાળકના માતાપિતાએ ઉપરોક્ત બાળકના સંબંધમાં ચોક્કસ તબીબી તપાસ અને પેથોલોજીકલ રિપોર્ટ કરાવ્યા. આવા તબીબી પરીક્ષણ દરમિયાન, એવું બહાર આવ્યું કે બાળકનું બ્લડ ગ્રુપ ‘B’ પોઝિટિવ છે, જ્યારે પિતા અને માતા બંનેનું બ્લડ ગ્રુપ ‘ઓ’ પોઝિટિવ છે.
બ્લડ ગ્રુપમાં સ્પષ્ટ વિસંગતતાને કારણે, બાળકના માતાપિતાએ યોગ્ય અને પ્રમાણિત ફોરેન્સિક લેબોરેટરી દ્વારા DNA પરીક્ષણ કરાવ્યું. ઉપરોક્ત DNA પરીક્ષણના પરિણામમાં જાણવા મળ્યું કે માતાનો DNA પ્રોફાઇલ બાળકના DNA પ્રોફાઇલ સાથે મેળ થયા છે, જ્યારે પિતાનો DNA પ્રોફાઇલ બાળકના DNA પ્રોફાઇલ સાથે મેચ થતો નથી.
તેથી, દંપતીએ હોસ્પિટલનો સંપર્ક કર્યો પરંતુ તેમણે કોઈ જવાબ આપ્યો નહીં. બાદમાં બક્ષી અને તેમની ટીમ સામે FIR નોંધાવવા માટે પોલીસ કમિશનરનો સંપર્ક કર્યો પરંતુ પોલીસે કંઈ કર્યું નહીં.
તેથી દંપતીએ FIR નોંધાવવા માટે HCનો સંપર્ક કર્યો. ડોક્ટરે પણ કોર્ટને પક્ષકાર તરીકે જોડાવા વિનંતી કરી. જોકે, બધા પક્ષકારોને સાંભળ્યા પછી, HCએ પોલીસ સત્તાવાળાઓને આ મામલાની તપાસ કરવાનો અને તેના પરિણામ વિશે ચાર અઠવાડિયામાં જાણ કરવાનો આદેશ આપ્યો.
જોકે, HC દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, તેમણે કેસના ગુણદોષમાં ગયા નથી. પોલીસ સત્તાવાળા દ્વારા પસાર કરાયેલા કોઈપણ પ્રતિકૂળ નિર્ણય સામે યોગ્ય ફોરમનો સંપર્ક કરવાની અરજદારની સ્વતંત્રતા અનામત છે.
ડોક્ટરનો મત શું છે?
ડો. બક્ષીએ તેણીને સાંભળવા માટે દાખલ કરેલી અરજીમાં, ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, Oasis Fertility એક પ્રતિષ્ઠિત IVF કેન્દ્ર છે અને દંપતીને છેતરવાનો કોઈ ઇરાદો નહોતો. તેમણે વડોદરાના અકોટા પોલીસને બધા દસ્તાવેજો અને નિવેદનો આપ્યા છે.
આ પ્રક્રિયા SOP અને સહાયિત પ્રજનન ટેકનોલોજી કાયદા, 2021ના માર્ગદર્શિકા અનુસાર કરવામાં આવી છે. સારવાર દરમિયાન કોઈ દાતા શુક્રાણુ અથવા ઇંડાનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો પરંતુ પતિના જ વીર્ય નમૂનાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
સાક્ષીની હાજરીમાં નમૂના એકત્રિત કરવામાં આવ્યા હતા અને લેબલ કરવામાં આવ્યા હતા અને કડક પ્રોટોકોલનું પાલન કરવામાં આવ્યું હતું. સ્વતંત્ર તબીબી ઓડિટ કરવા માટે બધા જરૂરી દસ્તાવેજો ઉપલબ્ધ છે. તેમના પરના આરોપો પાયાવિહોણા છે અને કાયદા કે તબીબી વિજ્ઞાન દ્વારા તેને સમર્થન આપવામાં આવતું નથી.