Jasdan.તા.24
જસદણના કનેસરા ગામ પાસે અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે ધસી આવેલા બાઇક ચાલકે સામેથી આવતા બાઇકને હડફેટે લેતા બાઇક પર સવાર જસદણના રાજા વડલા ગામે રહેતા પતિ-પત્નીને ઇજા પહોંચી હતી.
જેમાં ગંભીર રીતે ઘવાયેલા પતિનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. દંપતિ જસદણ ખરીદી કરી બાઈક પર પરત ફરતું હતું દરમિયાન અકસ્માતની આ ઘટના બની હતી. બનાવ અંગે મહિલાની ફરિયાદ પરથી પોલીસે અકસ્માત સર્જનાર બાઈકચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
બનાવની વિગત મુજબ, જસદણના રાજા વડલા(જામ) ગામે રહેતા વિઠ્ઠલભાઈ ધોડકિયા અને તેમના પત્ની હેમીબેન (ઉ.વ. 45) બંને ગઇ તા. 22 ના બાઈક લઇ જસદણ ખરીદી કરવા માટે ગયા હતા અહીં ખરીદી કર્યા બાદ સાંજના સાડા પાંચેક વાગ્યે પતિ-પત્ની બાઈક પર પરત ફરતા હતા.
દરમિયાન છ વાગ્યા આસપાસ કનેસરા ગામે પાણીના ટાંકા પાસે રોડ પર પહોંચતા સામેથી એક બાઈકચાલક પૂરપાટ ઝડપે વાહન ચલાવી સામેથી ધસી આવ્યો હતો અને દંપતીના બાઇકને લીધું હતું. જેથી પતિ-પત્ની બંને રોડ પર પટકાયા હતા.
જેમાં વિઠ્ઠલભાઈને મોઢા તથા પેટના ભાગે ગંભીર ઈજા પહોંચતા લોહી નીકળવા લાગ્યું હતું અને તેઓ બેભાન થઈ ગયા હતા. જ્યારે તેમના પત્ની હેમીબેનને કાંડાના ભાગે તથા મૂંઢ ઇજા થઈ હતી. બાદમાં બંનેને સારવાર માટે જસદણ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. અહીં ફરજ પરના તબીબે જોઈ તપાસી વિઠ્ઠલભાઈને મૃત જાહેર કર્યા હતા. બનાવની જાણ થતા ભાડલા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.
અકસ્માતના બનાવ અંગે પોલીસમાંથી મળતી વિગત મુજબ, મૃતક વિઠ્ઠલભાઈ ખેતીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા તેમને સંતાનમાં પુત્ર એભલ તથા ત્રણ પુત્રી વિલાસ, શિલ્પા અને હેતલ છે. બાઇકને હડફેટે લેનાર બાઈકચાલક મહેશ દહાભાઈ કટેશીયા (રહે. શાંતિનગર) હોવાનું માલુમ પડ્યું હતું. જેથી મૃતકના પત્ની હેમીબેન વિઠ્ઠલભાઈ ધોડકિયાએ આ અંગે ભાડલા પોલીસ સ્ટેશનમાં બાઇક નંબર જીજે 1 પીએચ 0207 ના ચાલક મહેશ કટેશીયા વિરુદ્ધ ભાડલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

