America,તા.15
2019માં આફ્રિકન દેશ ઈથિયોપિયામાં થયેલા પ્લેન ક્રેશમાં મોતને ભેટેલી શિખા ગર્ગ નામની ભારતીય મહિલાની ફેમિલીને 36 મિલિયન ડોલરનું જંગી વળતર ચૂકવવા માટે અમેરિકાની જ્યૂરીએ આદેશ કર્યો છે.
શિખા યુનાઈટેડ નેશન્સ માટે કામ કરતી હતી, જે પ્લેનમાં તે સવાર હતી તે બોઈંગ 757 મેક્સ જેટ હતું, મૃતકના વકીલે દાવો કર્યો હતો કે એરક્રાફ્ટની ડિઝાઈનમાં ખામી હતી જેના વિશે કંપનીએ પેસેન્જર્સને કોઈ જાણ નહોતી કરી. આ ક્રેશમાં કુલ 157 લોકોના મોત થયા હતા. કોર્ટ-અપ્રુવ્ડ ડીલ હેઠળ શિખા ગર્ગના પરિવારજનોને 26 ટકા વ્યાજ સાથે કુલ 35.85 મિલિયન ડોલરનું વળતર મળશે.
બુધવારના રોજ શિકાગોમાં થયેલી સુનાવણી બાદ જ્યુરીએ શિખા ગર્ગના વારસદારોની તરફેણમાં ચુકાદો આપતા તેમને 35.85 મિલિયન ડોલરનું વળતર ચૂકવવા આદેશ કર્યો હતો. એક વીક સુધી ચાલેલી ટ્રાયલ બાદ જ્યુરીએ બે કલાક સુધી ચર્ચા કર્યા બાદ આ નિર્ણય લીધો હતો.
પ્લેન ક્રેશની ઘટનામાં થયેલી આ પહેલી સિવિલ ટ્રાયલ છે, એક સમયે બોઈંગનું હેડક્વાર્ટર્સ શિકાગોમાં હોવાથી કંપની સામે આ જ શહેરમાં લોસ્યૂટ ફાઈલ કરવામાં આવ્યો હતો.
શિખાની ફેમિલીના લોયર્સે આ ચુકાદાને આવકારતા જણાવ્યું હતું કે તેનાથી બોઈંગ કંપનીએ કરેલા ખોટા કામની જવાબદારી નક્કી થઈ છે. બોઈંગે બુધવારે આ મામલે આપેલા એક નિવેદનમાં તમામ મૃતકોના પરિવારજનોની માફી માગતા જણાવ્યું હતું કે પોતે તેમની લાગણીનું સમ્માન કરે છે.
બોઈંગે પોતાની ભૂલ માની લીધી હોવાથી કંપનીનો કોઈ વાંક હતો કે કેમ તે નક્કી કરવાને બદલે જ્યૂરીએ માત્ર મૃતકોના વારસદારોને કેટલું વળતર આપવું તે જ નક્કી કરવાનું હતું.

