Morbi,તા.1
મોરબી કોર્ટે ચેક રીટર્ન કેસમાં તકસીરવાનને એક વર્ષની કેદની સજા તથા બમણી રકમ વ્યાજ સહીત ચુકવવા હુકમ કર્યો છે. તાજેતરમાં મોરબી કોર્ટ દ્વારા ચેક રીટર્નની ફોજદારી ફરીયાદમાં મહત્વનો અને દાખલારૂપ ચુકાદો આપેલ છે.કેસની હકિકત જોઈએ તો, ફરીયાદી એવા મોરબીના વતની સંદિપભાઈ જગદિશભાઈ શેરસીયાએ સામાવાળા મોરબીના જ વતની અનિલ માવજીભાઈ ડાભીને સપ્ટેમ્બર, 2022 માં હાથ ઉછીના પેટે રૂા.5,00,000 આપ્યા હતા.
અને આ રકમ પરત ચૂકવવા માટે સામેવાળા અનિલ માવજીભાઈ ડાભીએ રૂા. 5,00,000 નો ચેક ફરીયાદીને આપ્યો હતો.જે ચેક ફરીયાદીએ નાણા વસુલવા પોતાના ખાતામાં રજુ કરતા, ચેક વણચૂકવ્યે પરત થતાં, ફરીયાદી સુનિલભાઇએ અનિલ માવજીભાઈ ડાભીને નોટિસ આપેલ છતા તેણે ફરીયાદીને ચેકની રકમ વસુલ ન આપતા અંતે ફરીયાદી સંદિપભાઈએ અનિલ માવજીભાઈ ડાભી વિરૂધ્ધ મોરબી કોર્ટમાં, ફોજદારી ફરીયાદ દાખલ કરેલ અને આ કેસ ચાલી જતાં, ફરીયાદી પક્ષે રજુ કરાયેલ પુરાવાઓ, દલીલો તથા દલીલ વખતે રજુ કરાયેલ નામદાર હાઈકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના ચુકાદાઓને ધ્યાને લઈને મોરબીના મહે.જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ જજ એસ.એ.મેમણ સાહેબે અનિલ માવજીભાઈ ડાભીને એક વર્ષની કેદની સજા અને ચેકની રકમથી ડબલ રકમનો દંડ તથા ફરીયાદીને ફરીયાદ દાખલ કર્યા તારીખથી રકમ ચૂકવ્યા સુધી ચેકની રકમ ઉપર વાર્ષિક 9 ટકા વ્યાજ વળતર પેટે ચુકવી આપવાનો અને તેમ કરવામાં કસૂર કર્યે વધુ 90 દિવસની સજા ફરમાવવાનો અતિ મહત્વનો ચૂકાદો જાહેર કરેલ છે.આ કેસમાં ફરીયાદ પક્ષે વકીલ તરીકે ચિરાગ ડી.કારીઆ, રવી કે.કારીયા, મનિષ કે.ભોજાણી, દયારામ એલ.ડાભી અને અતુલ સી.ડાભી રોકાયેલા હતા.

