Rajkot, તા.8
ગત તારીખ 13-12-25 ના રોજ જસદણ પોલીસ સ્ટેશનમાં જસદણ પોલીસ સ્ટેશનના એએસઆઈ જયંતીભાઈ ધીરુભાઈ મજીઠીયાએ ફરિયાદ નોંધાવેલ કે, મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીની કચેરીમાંથી સાયબર ફ્રોડથી મેળવેલ નાણાના ટ્રાન્જેકશન બાબતે તપાસ કરી કોઈ ટ્રાન્જેકશન ધ્યાનમાં આવેતો કાયદેસરની કાર્યવાહી કરવાનું જણાવેલ હતું.
જે બાબતે ફરિયાદીએ તપાસ કરતા એચડીએફસી બેંક જસદણ બ્રાન્ચમાં આવેલ ખાતાધારકના ખાતામાં આવા સાયબર ફ્રોડથી નાણા આવેલ હોવાની હકીકત માલુમ પડતા તે ખાતુ આરોપી હરેશ બાબુભાઈ રૂપારેલીયા (રહે. પાંચવડા તા.જસદણ) ચલાવતો હોય અને તે ખાતાનું સંચાલન કરતો હોય જે ખાતામાં રૂ।2,50,000 જેવી સાયબર ફ્રોડથી આવેલ રકમ ઉપાડી લીધેલ હોય અને તે ખાતુ સાયબર ક્રાઈમના ગુનામાં ઉપયોગમાં લેતો હોય તેવી હકીકત ખુલવા પામતા ફરિયાદીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી અને પોલીસે આરોપી હરેશની ધરપકડ કરી જેલ હવાલે કરેલ જેલમાં રહેલા આરોપીએ જામીન ઉપર છૂટવા સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરતા સરકાર તરફે સરકારી વકીલ હાજર રહેલ અને જામીન અરજીનો વિરોધ કરતા રજૂઆત કરેલ આરોપી વિરુદ્ધ સાયબર ફ્રોડનો ગંભીર ગુનો છે અને આવા સાયબર ક્રાઇમના ગુનાઓ દિવસેને દિવસે વધતા જાય છે.
તેથી આવા ગુનાઓ ઉપર લગામ રાખવા માટે જામીન અરજી રદ કરવી જોઈએ અને જો તેને જામીન આપવામાં આવશે તો આરોપી ફરી આવા ગુના કરશે અને તેને કાયદાનો કોઈ ડર રહેશે નહી. તેવી રજૂઆત ધ્યાને લઈ સેશન્સ જજ ટી. એસ. બ્રહ્મભટ્ટએ આરોપીની રેગ્યુલર જામીન અરજી રદ કરેલ છે. આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઈ પીપળીયા રોકાયેલ હતા.

