Rajkot તા.15
દિવાળી-નૂતન વર્ષનાં તહેવારોમાં નવી-કડકડતી ચલણી નોટોની આપવા-લેવાની એક જાતની પરંપરા છે. દિવાળીના સપ્તાહ પૂર્વે જ સમયસર રિઝર્વ બેંકે બેંકોને નવી નોટો મોકલી દીધી છે.મહત્વની વાત એ છે કે બે-પાંચ વર્ષો બાદ રૂા.10 ના દરની નવી નોટો મોકલવામાં આવી છે.
નવી નોટ પુરતા પ્રમાણમાં આવી ન હોવા છતાં અમુક બેંકોએ વિતરણ શરૂ કરી દીધુ છે. બેન્કીંગ ક્ષેત્રનાં વર્તૂળોએ જણાવ્યું છે કે રિઝર્વ બેંક દ્વારા બે-ત્રણ દિવસ પૂર્વે જ બેંકોને નવી નોટો મોકલી દીધી હતી. કરન્સી ચેસ્ટ ધરાવતી બેન્કોએ સીધી નવી નોટ મોકલાવી હતી. અન્ય બેન્કોને હેડ ઓફીસ તરફથી નવી નોટો મોકલાવાઈ હતી.જીલ્લા તથા સરકારી બેન્કોને નિયત પ્રક્રિયા મુજબ નવી નોટ મોકલવામાં આવી છે.
રાજકોટમાં એચડીએફસી બેંક, સ્ટેટ બેન્ક, બેંક ઓફ બરોડા સહિત કરન્સી ચેસ્ટ ધરાવતી આઠ જેટલી બેન્કો છે. બેન્કોની હેડ ઓફીસ દ્વારા બ્રાંચોને વતાઓછા પ્રમાણમાં નોટ મોકલાઈ છે. સુત્રોએ કહ્યું કે નવી નોટોની ડીમાન્ડ ખુબ હોય છે. પરંતુ તેની સરખામણીએ બહુ ઓછા પ્રમાણમાં બેંકોને મળી છે.એટલે તમામ ગ્રાહકોમાં વિતરણ શકય નથી અને ગ્રાહકોમાં નારાજી પ્રવર્તે છે.
એક બેંકના અધિકારીએ કહ્યું કે બહુ ઓછી માત્રામાં નવી નોટો આવી છે. ખાસ કરીને 10 રૂપિયાના બંડલ અમુક મોટા ગ્રાહકને જ આપી શકાય તેમ છે. સ્ટાફને માંડ એક-એક બંડલ આપવામાં પણ મુશ્કેલી છે.
રિઝર્વ બેન્ક દ્વારા 10 ની નવી નોટ વર્ષો બાદ આપવામાં આવી છે તો બીજી તરફ 20 રૂપિયાની નવી નોટો મોકલવામાં આવી નથી. 10 ના વિકલ્પમાં ગ્રાહકો 20 ના બંડલ લઈ જતા હોય છે.પરંતુ હવે 20 ની નવી નોટો નથી. 10 ની બહુ ઓછી-નહિંવત જેવી છે.એટલે બેંકોને વધુ તકલીફ ઉભી થઈ છે.
50-100-200-500 ની નવી નોટો છે.પરંતુ તેનો ઉપાડ પ્રમાણમાં ઓછો રહેતો હોય છે. સમયસર નવી નોટો આવી જતા કેટલીક બેંકોએ ગ્રાહકોને વિતરણ શરૂ કરી દીધુ છે. બાકીની બેંકો છેલ્લા બે દિવસમાં કરે તેવી સંભાવના છે.