ક્રાઈમ બ્રાન્ચે બે મોબાઈલ મળી રૂપિયા 80,000 નું મુદ્દામાલ કબજે કર્યો: બુકી ઉત્તમ વિરડીયાનું નામ ખુલ્યું
Rajkot,તા.04
આઇપીએલની ફાઇનલ મેચ પર ગૌતમ નગર મેઇન રોડ પાસે મોબાઈલ આઈડી મારફત ક્રિકેટ સટ્ટો રમી રહેલા કિચનવેરના વેપારીને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી લીધો હતો. પોલીસે વેપારી પાસેથી રૂપિયા ૮૦ હજારની કિંમતના બે મોબાઈલ ફોન કબજે કર્યા હતા. આ શખસના મોબાઇલની તપાસ કરતા ઉત્તમ વિરડીયા નામના બુકીનું નામ ખુલ્યું હતું. જેથી પોલીસે તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગતો મુજબ, ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઇ એસ.વી.ચુડાસમાની રાહબરી હેઠળ એએસઆઈ વિજયભાઈ સોઢા, કોન્સ્ટેબલ સંજયભાઈ અલગોતર, કરણભાઈ કોઠીવાળ, અરવિંદભાઈ ફતેપરા અને અનુજભાઈ ડાંગર સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન રાત્રિના ગૌતમનગર મેઇન રોડ મોદી સ્કૂલ સામે એક શખસ મોબાઇલમાં શંકાસ્પદ પ્રવૃત્તિ કરી રહ્યો હોય પોલીસે આ શખસની પૂછતાછ કરતા તેણે પોતાનું નામ જય વલ્લભભાઈ હરસોંડા(ઉ.વ 26 રહે. કોઠારીયા મેઇન રોડ, અયોધ્યા સોસાયટી) હોવાનું જણાવ્યું હતું. પોલીસે આ શખસ પાસે રહેલા સેમસંગ કંપનીના ફોલ્ડ 4 મોડલના મોબાઈલની તપાસ કરતા તેમાં ક્રિકબેટ 99 વાળી આઈડી હોય જેમાં તે આઇપીએલની આરસીબી અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચેની ફાઈનલ મેચ પર ક્રિકેટ સટ્ટો રમી રહ્યો હોવાનું માલુમ પડ્યું હતું. તેમજ ગુગલ ક્રોમમાં અન્ય એક આઈડી ઓલપેનલ 777 પણ મળી આવી હતી. તે આઈડી મારફત પણ તે જુગાર રમતો હોવાનું માલુમ પડ્યું હતું.
બાદમાં પોલીસે આ શખસની અંગ જડતી લેતા તેના પેન્ટના ખિસ્સામાંથી અન્ય એક મોબાઇલ ફોન મળી આવ્યો હતો. જેમાં વોટસએપમાં ચેટ જોતા ઉત્તમ વિરડીયા સાથે પૈસાની લેવડદેવડના હિસાબો મળી આવ્યા હતા. જેથી પોલીસે આ શખસ પાસેથી રૂ. 80,000 ની કિંમતના બે મોબાઈલ ફોન કબજે કરી બંને સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી ઉત્તમ વિરડીયાને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.