Rajkot, તા.7
રાજકોટમાં આગામી 14મી જાન્યુઆરીએ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાનારા વન-ડે માટે ક્રિકેટરસિયાઓમાં અત્યારથી જ ઉત્સાહ દેખાવાનું શરૂ થઇ ગયું છે. ટીકીટ વેચાણને જોરદાર પ્રતિસાદ છે. મકરસંક્રાંતિની જાહેર રજા હોવાને કારણે ઉત્સાહ બેવડાવે છે. સૌરાષ્ટ્રભરના ક્રિકેટ રસિયાઓ ઉમટી પડે તેમ માનવામાં આવી રહ્યું છે.
રોહિત શર્મા તથા વિરાટ કોહલીએ ટેસ્ટ તથા ટી-20માંથી નિવૃત્તિ લઇ લીધી છે અને માત્ર વન-ડે જ રમે છે. બન્ને મહાન ખેલાડીઓનું મુખ્ય આકર્ષણ રહેવાનું સ્પષ્ટ છે.
રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં રમાનારા આ વન-ડે મેચ માટે બન્ને ટીમ બે દિવસ અગાઉ જ આવી જશે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે કુલ ત્રણ વન-ડે રમાવાના છે.
પ્રથમ વન-ડે 11મી જાન્યુઆરીએ વડોદરામાં રમાશે. વડોદરાથી તા.12મીએ બન્ને ટીમો ખાસ વિમાનમાં રાજકોટ આવશે. ભારતીય ટીમનો મુકામ હોટલ સયાજીમાં, જ્યારે પ્રવાસી ન્યુઝીલેન્ડની ટીમનું રોકાણ હોટલ ફોર્ચ્યુનમાં રહેશે.
ભારત અને ન્યુઝીલેન્ડની ટીમો માટે નિર્ધારિત શિડ્યુલ મુજબ 12મીએ હોટલમાં જ આરામ કરશે, જ્યારે 13મીએ નેટ પ્રેક્ટીસ કરશે. ન્યુઝીલેન્ડની ટીમ માટે બપોરે 1.30થી 4.30નો ટાઇમ નિર્ધારિત કરવામાં આવ્યો છે, જ્યારે ભારતીય ટીમ સાંજે 5-30 થી રાત્રે 8 સુધી નેટ પ્રેક્ટીસ કરશે. શિયાળાના દિવસમાં અંધારુ વહેલું થઇ જતું હોવાના કારણોસર ભારતીય ટીમ ફલડ લાઇટમાં પ્રેક્ટીસ કરશે. વન-ડે મેચ ડે-નાઇટ રહેવાનો છે એટલે 14મીના જંગમાં ભારતીય ટીમને ફાયદો થઇ શકે છે.
ભારતીય ટીમના મહાન બેટરો રોહિત શર્મા તથા વિરાટ કોહલી રાજકોટમાં રમવાના છે. ટેસ્ટ તથા ટી-20માંથી નિવૃત્તિ બાદ વન-ડે કારકિર્દી પણ હવે લાંબી રહે તેમ નથી. આ સંજોગોમાં રાજકોટમાં તેઓ કદાચ છેલ્લીવાર રમતા જોવા મળશે.
આ કારણોસર પણ ક્રિકેટરસિયાઓમાં જોરદાર ક્રેઝ રહ્યો છે. મકરસંક્રાંતિના પતંગપર્વ છતાં ક્રિકેટનો ક્રેઝ જોવા મળે તેમ છે. જાહેર રજાને કારણે સ્ટેડિયમ પેક રહેવાનું નિશ્ચિત ગણાય છે. વન-ડે માટેની ટીકીટનું બુકિંગ થવા લાગ્યું છે અને અત્યારથી જ જોરદાર વેચાણ હોવાના સંકેત છે.
ભારતીય ટીમમાં શુભમન ગીલ કેપ્ટન છે. ઉપરાંત રોહિત, કોહલી, કે.એલ. રાહુલ, ઋષભ પંત સહિતના ખેલાડીઓનું આકર્ષણ રહેશે.રાજકોટના મેદાનમાં અત્યાર સુધીમાં 12 આંતરરાષ્ટ્રીય મેચો રમાયા છે. તેમાં ત્રણ ટેસ્ટ, 6 ટી-20 અને 4 વન-ડેનો સમાવેશ થાય છે. 14મીએ રમાનારો એક દિવસીય જંગ રાજકોટના મેદાન પરનો પાંચમો મેચ હશે. ન્યુઝીલેન્ડ રાજકોટમાં પ્રથમ વખત વન-ડે રમશે. રાજકોટમાં રમાયેલા અત્યાર સુધીના ચારમાંથી ત્રણમાં ભારતનો પરાજય થયો હતો.
11 જાન્યુઆરી-2013ના રોજ ઇંગ્લેન્ડે ભારતને 9 રને હરાવ્યું હતું. 18 ઓક્ટોબર-2015માં દક્ષિણ આફ્રિકાએ ભારતને 18 રને હરાવ્યું હતું. 17 જાન્યુઆરી-2020ના રોજ ભારતે ઓસ્ટ્રેલીયા સામે બદલો લીધો હતો અને 36 રને વિજય મેળવ્યો હતો. આ પછી 27 સપ્ટેમ્બર-2023ના રોજ ફરી ઓસ્ટ્રેલીયા સામે જંગ રમાયો હતો. જેમાં ઓસ્ટ્રેલિયાએ 66 રને જીત મેળવી હતી.

