Rajkot તા.6
રાજકોટમાં આવતા સપ્તાહથી ફરી એકવાર ક્રિકેટ ફીવર ઉભો થવા લાગશે. ભારતીય ટીમના જાણીતા ચહેરાઓ દશેક દિવસ સુધી રાજકોટમાં મુકામ કરશે અને આ દરમ્યાન ત્રણ વન-ડે મેચ રમશે.તિલક વર્માની કેપ્ટનશીપ હેઠળની ભારતીય ટીમના સ્ફોટક બેટર અભિષેક શર્મા, અર્શદીપસિંહ, હર્ષિત રાણા સહિતના ખેલાડીઓ આવશે.
ભારતમાં દક્ષિણ આફ્રિકા ‘એ’ તથા ભારત ‘એ’વચ્ચે ટેસ્ટ અને વન-ડે શ્રેણી જાહેર થઈ છે.
બે ટેસ્ટ મેચ ઉપરાંત ત્રણ વન-ડે મેચ રમાનાર છે અને તે ત્રણેય રાજકોટમાં રમાશે.સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનનાં સુત્રોએ જણાવ્યું હતું કે આગામી 13,16 અને 19 નવેમ્બરના રોજ રમાનારા ત્રણ વન-ડે મેચ માટે સ્ટેડીયમમાં તમામ વ્યવસ્થાઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. પ્રથમ મેચ 13 મી નવેમ્બરે રમાવાનો છે.તે પૂર્વે ભારતીય ટીમ તો ત્રણ દિવસ વહેલી જ રાજકોટ આવી જવાની છે. 10 મી નવેમ્બરે સાંજે ભારતીય ટીમનુ આગમન થઈ જશે અને બન્ને ટીમોનાં ખેલાડીઓ મેચ પૂર્વે નેટ પ્રેકટીસમાં સામેલ થાય તેવી શકયતા છે.
ભારત ‘એ’ તથા દક્ષિણ આફ્રિકા ‘એ’ એમ બન્ને ટીમોને જ એક સાથે જ હોટેલ સયાજીમાં ઉતારો આપવામાં આવનાર છે. ભારતની ‘એ’ ટીમનાં મેચ હોવા છતા મુખ્ય ટીમનાં અનેક રાષ્ટ્રીય ક્રિકેટરો તેમાં સામેલ હોવાથી ક્રિકેટ રસીયાઓમાં આકર્ષણ સર્જાવાનું અને ક્રિકેટ ફીવર ઉભો થવાનું માનવામાં આવી રહ્યું છે. ટીમમાં તિલક વર્મા કેપ્ટન છે.નજીકનાં ભુતકાળમાં જ આક્રમક બેટીંગ તથા અદ્દભુત ફિલ્ડીંગથી ભારતીય ટીમમાં આધારસ્તંભ બની ગયો છે.
આ સિવાય સ્ફોટક ઓપનર અભિષેક શર્મા પણ સામેલ છે. અન્ય બેટરોમાં રૂતુરાજ ગાયકવાડ, જયસ્વાલ, રિયાન પરાગ, ઈશાન કિશન, આયુષ બદાની, જેવા જાણીતા ચહેરા છે. આ સિવાય મુખ્ય ટીમમાં સામેલ અને ઓસ્ટ્રેલીયા સામેની વર્તમાન ટી-20 શ્રેણીમાં રમી રહેલા અર્શદીપસિંહ, હર્ષિત રાણા જેવા બોલરો પણ આવશે.
ટીમનાં અન્ય ખેલાડીઓમાં ખલીલ અહમદ, પ્રભસિરમસિંહ, વિપરાજ નિગમ, માનવ સુતાર, નિશાંતસિંધુનો સમાવેશ થાય છે. ક્રિકેટ બોર્ડનાં સુત્રોએ કહ્યું કે શ્રેણીનાં આ મેચોની ગણતરી આંતર રાષ્ટ્રીય રેકોર્ડમાં થવાની નથી છતાં જાણીતા ક્રિકેટરો ટીમમાં સામેલ હોવાથી રાજકોટના ક્રિકેટ રસીયાઓમાં રોમાંચ-આકર્ષણ ઉભા
થશે.
વન-ડે શ્રેણી માટે ટીમ 10 મી નવેમ્બરે આવી જવાની છે ત્રીજો અને છેલ્લો મેચ 19 મી નવેમ્બરે રમાવાનો છે. એટલે 20 મીએ પરત જાય તેવી સંભાવના છે. આ રીતે ક્રિકેટરોનું રાજકોટ રોકાણ સળંગ 10-11 દિવસનું રહેશે.
ત્રણેય મેચ ‘ડે એન્ડ નાઈટ’ ! એન્ટ્રી ફ્રી
આગામી 13,16 અને 19મીએ નિરંજન શાહ સ્ટેડીયમમાં ભારત એ તથા દક્ષિણ આફ્રિકા વચ્ચે યોજાનારા ત્રણેય વન-ડે મેચ ડે એન્ડ નાઈટ હશે અને બપોરે 1-30 વાગ્યાથી શરૂ થશે ઉપરાંત જાણીતા ક્રિકેટરોની રોમાંચક ટકકર નિહાળવા માટે સ્ટેડીયમમાં એન્ટ્રી પણ ફ્રી રહેવાની છે.
આ ત્રણેય મેચ બીનસતાવાર રીતે અર્થાત આંતર રાષ્ટ્રીય મેચોના રેકોર્ડમાં તેની નોંધ થવાની નથી. એટલે ફ્રી એન્ટ્રી રહ્યાનું મનાય છે. જોકે, બન્ને ટીમોમાં જાણીતા ક્રિકેટરો સામેલ હોવાથી ત્રણેય મેચ તો રોમાંચક અને ઉતેજનભર્યા જ બની રહેવાની શકયતા છે.

