નાની-નાની વાતોમાં ઝગડા કરતા પતિ,સાસુ અને સસરાના ત્રાસથી કંટાળી પરિણીતાએ ગળાફાંસો ખાઈ લીધો’તો
Rajkot,તા.26
શહેરના કોઠારીયા મેઇન રોડ પર ગુજરાત હાઉસિંગ બોર્ડ કવાર્ટરમાં રહેતી પરિણીતાએ છ દિવસ પૂર્વે ગળાફાંસો ખાય આપઘાત કરી લીધો હતો. જે અંગે રાજકોટ તાલુકાના સાતડા ગામે રહેતા પરિણીતાના પિતાની ફરિયાદ પરથી તેણીને મરવા મજબૂર કર્યા અંગે તેના પતિ,સાસુ-સસરા વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, કોઠારીયા મેઇન રોડ પર પાણીના પરબવાળી શેરીમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના ક્વાર્ટરમાં રહેતી નીરૂબેન અનિલભાઈ સોરાણી નામની પરિણીતાએ ગત તા. 20/5 ના ગળાફાંસો ખાય આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે પરિણીતા પિતા લક્ષ્મણભાઈ મેરામભાઇ સદાદિયા દ્વારા આજીડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં દીકરીના પતિ અનિલ હિંમતભાઈ સોરાણી, સસરા હિંમત સોરાણી, સાસુ કૈલાશબેન ના નામ આપ્યા છે.
લક્ષ્મણભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓને સંતાનમાં ત્રણ દીકરી અને બે દીકરા છે. જેમાં નીરૂ વચેટ હતી. ગત તા. 20/5 ના તેણે સાસરીયે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. પરિણીતાને સંતાનમાં ચાર વર્ષનો પુત્ર રૂદ્દ્ર અને બે વર્ષનો પુત્ર આરવ છે. ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે, આ બનાવનું કારણ મારી દીકરી નીરૂબેનના સાસરિયાઓ છેલ્લા બે વર્ષથી નાની નાની બાબતોમાં બોલાચાલી ઝઘડા કરી હેરાન પરેશાન કરતા હોય મારી દીકરી અવારનવાર આ બાબતે અમારી સાથે વાત કરતી અને અમે તેને સમજાવતા હતા. દશેક મહિના પહેલા મારી દીકરી રિસામણે આવી હતી ચાર છ મહિના અમારા ઘરે રોકાય હતી. બાદમાં અમે તેને તથા તેના પતિ અને સાસુ સસરા સાથે વાતચીત તથા સમજૂતી કરી સાસરે મોકલી હતી. તેમછતાં મારા જમાઈ અનિલ દીકરીના સસરા હિંમત, સાસુ કૈલાશબેન સહિતનાઓ અવારનવાર મારી દીકરી નીરૂ સાથે બોલાચાલી કરી ઝઘડો કરી શારીરિક-માનસિક ત્રાસ આપતા હોય તથા ખોટી રીતે હેરાન પરેશાન કરતા હોય જેનાથી કંટાળી જઇ તેણે આ પગલું ભરી લીધું હતું. આ અંગે આજીડેમ પોલીસે પરિણીતાના પિતાની ફરિયાદ પરથી તેણીના પતિ અને સાસુ-સસરા વિરુદ્ધ આપઘાતની ફરજ પાડવા અંગેનો ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી. બનાવ અંગે વધુ તપાસ પીએસઆઇ આર.એમ.સાંખરા ચલાવી રહ્યા છે.