Jamnagarતા.૨૧
જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ફરજ બજાવતી એક મહિલા કર્મચારીએ પોતાની જ બે સાથી મહિલા કર્મચારીઓના ત્રાસના કારણે ઝેરી દવા પી લેવા અંગેના પ્રકરણમાં પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ કરાયા પછી બે સાથી મહિલા કર્મચારીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરના ધરાનગર વિસ્તારમાં રહેતી અને જીજી હોસ્પિટલમાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતી ફરીદાબેન સલીમભાઈ ખીરા નામની ૫૦ વર્ષની સફાઈ કામદાર મહિલાએ ગત ૧.૫.૨૦૨૫ ના રોજ જી.જી. હોસ્પિટલમાં તેણીની બે સાથી મહિલા કર્મચારીઓના કથિત ત્રાસના કારણે ઝેરી દવા પી લીધી હતી જેથી તેણીને જીજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
આ ઉપરાંત હાજરી જમાદાર ની ઓફિસમાં પણ હંગામો થયો હતો, જે મામલે પોલીસ તપાસ કરવામાં આવી હતી, અને જી.જી. હોસ્પિટલમાં ફરજ બજાવતી અન્ય બે સફાઈ કામદાર મહિલાઓનો ત્રાસ હોવાનું સામે આવ્યું હતું. ફરીદાબેન ને તેની સાથે જ કામ કરતી સુનંદાબેન બાગલે તથા જ્યાબેન હરીશભાઈ રાઠોડ કે જેઓએ જમાદાર ની ઓફિસમાં ઝપાઝપી કરી હતી, ઉપરાંત ચારિત્ર અંગેના આક્ષેપો કર્યા હતા, અને સમાજમાં બદનામી થાય તેવુ કૃત્ય કર્યું હોવાથી બંને સાથી મહિલા કર્મચારીઓના ત્રાસના કારણે ઝેરી દવા પી લીધી હોવાનું સામે આવ્યું હતું.સિટી બી. ડિવિઝનના પી.એસ.આઇ જે.પી.સોઢા દ્વારા સમગ્ર મામલાની તપાસ કરાયા બાદ ફરીદાબેન ની ફરિયાદ ના આધારે તેણીને બદલ અને સમાજમાં બદનામી થાય તેવું કૃત્ય કરવા અંગે સુનંદાબેન બાગલે અને જયાબેન રાઠોડ સામે ભારતીય ન્યાય સંહિતા ની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધાવ્યો છે, અને વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.