Tianjin તા.1
શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશનમાં એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રાસવાદ મુદે પાકિસ્તાન અને તેને સહયોગ આપતા દેશોને ખુલ્લા પાડી દીધા તો બીજી તરફ આ સંગઠનની શિખર બેઠકના સંયુક્ત ઘોષણાપત્રમાં આ હુમલાની આકરી ટીકા કરવામાં આવી અને દોષીઓને અત્યંત આકરી સજાની પણ માંગ કરવામાં આવી.
પાકિસ્તાનને પણ સમાવી લેતા આ ઘોષણાપત્રમાં આતંકવાદ, અલગતાવાદ અને ઉગ્રવાદ સામે સંયુક્ત રીતે લડવાની તમામ 20 દેશોએ પ્રતિબદ્ધતા દર્શાવી હતી અને ત્રાસવાદ સહિતના મુદે બેવડા માપદંડને પણ ફગાવ્યા હતા. આ સંયુક્ત જાહેરનામામાં પહેલગામ હુમલા અને આતંકવાદ સામેની આકરી ટીકા ભારતની સૌથી મોટી ડિપ્લોમેટીક જીત ગણવામાં આવશે.
આ સંગઠનમાં પહેલગામ હુમલાને સ્પોન્સર કરનાર પાકિસ્તાન અને ઓપરેશન સિંદુર સમયે તેને મદદ કરનાર તુર્કીએ એમ બંને દેશો પણ સદસ્ય છે. એટલું જ નહી ચીને પણ જે રીતે પાકિસ્તાનને સાથ આપ્યો હતો તે સંદર્ભમાં પણ આ ઘોષણાપત્રને અત્યંત મહત્વનું ગણવામાં આવે છે.
આજે શિખર બેઠકના અંતે જાહેર કરાયેલ સંયુક્ત ઘોષણાપત્રમાં પહેલગામ હુમલામાં મૃતકો અને ઘાયલ થયેલા વ્યક્તિઓના પરિવાર વચ્ચે સંવેદના વ્યક્ત કરવામાં આવી હતી તથા દોષીઓ, હુમલાના આયોજનકારો અને મદદગારોને સજા માટે ન્યાયતંત્ર સામે ઉભા રાખવાની આવશ્યકતા દર્શાવી હતી.
આ સંયુક્ત ઘોષણાપત્રમાં તમામ સભ્ય દેશોએ સહી કરી હતી અને આતંકવાદના તમામ સ્વરુપને ફગાવ્યુ હતું. આમ પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય મંચ પર જેમાં પાકિસ્તાન અને ચીન બંને હોય તેના દ્વારા જે રીતે પહેલગામ હુમલાને વખોડતા પ્રસ્તાવમાં સહી કરવી પડી તે પણ મહત્વપૂર્ણ છે.