Rajkot, તા.29
વીરપુરના વાસી, સંત શિરોમણી પૂ. જલારામ બાપાની 226મી જન્મ જયંતિ અનેરા ધર્મોલ્લાસ સાથે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં ઉમંગભેર ઉજવાઇ રહી છે. પૂ. જલારામ બાપાનો જન્મ કારતક સુદ સાતમના થયો હતો. દર વર્ષે પૂ. જલારામ બાપાનો જન્મોત્સવ શ્રધ્ધા અને ભકિત સાથે ઉજવાય છે.
રાજકોટ
રાજકોટમાં શ્રી જલારામ જન્મોત્સવ સમિતિ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. આજે બપોરના ચાર વાગે ચૌધરી હાઇસ્કુલના ગ્રાઉન્ડમાં સંતો-મહંતોના વરદ હસ્તે દીપ પ્રાગટય અને આશિર્વચન બાદ શોભાયાત્રાનો પ્રારંભ થશે. શોભાયાત્રામાં પૂ. જલારામ બાપાના જીવન પ્રસંગો પર આધારીત ફલોટસ જોડાશે. ટુ વ્હીલર, ફોર વ્હીલર તથા જલારામ ભકતો શોભાયાત્રામાં જોડાશે. શોભાયાત્રાનું વિવિધ સંસ્થા તથા જ્ઞાતિ સમાજ દ્વારા અભિવાદન કરાશે.
શોભાયાત્રા વિવિધ માર્ગો પરથી પસાર થઇને વિરાણી હાઇસ્કુલમાં સંપન્ન થશે. ‘જલારામ ધામ’ (વિરાણી હાઇસ્કુલ)માં મહાઆરતી, મહાપ્રસાદ તથા લોકડાયરાનું આયોજન કરવામાં આવેલ છે.
આ સિવાય રાજકોટના વિવિધ વિસ્તારોમાં રઘુવંશી યુવા ગ્રુપ દ્વારા પૂ. જલારામ બાપાની જન્મ જયંતિ નિમિતે મહાઆરતી, રંગોળી, ભકિત સંગીત તથા મહાપ્રસાદના આયોજનો કરાયા છે. આજે રાજકોટ જલારામની ભકિતમાં લીન બનશે.
સાવરકુંડલા
સાવરકુંડલામાં જલારામ જયંતી નિમિત્તે સાવરકુંડલા શહેરના મુખ્ય માર્ગો પર શોભાયાત્રા નીકળશે. ઉપરાંત સંતવાણી સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે.સાવરકુંડલા ખાતે પૂજ્ય જલારામ બાપાના 226 માં પ્રાગટ્ય દિન નિમિત્તે લોહાણા મહાજન અને સમસ્ત જ્ઞાતિ સમાજ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.સાવરકુંડલા રઘુવંશી સમાજની પરંપરા મુજબ 29 ઓક્ટોબર 2025 બુધવારના બપોરે તથા સાંજે બંને ટાઈમ સમૂહ જ્ઞાતિ ભોજન લોહાણા મહાજન વાડી ખાતે યોજાશે જલારામ મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે સમગ્ર વાતાવરણ ભક્તિમય બનશે.
આ તકે મંગળા આરતી સવારે 5:30 કલાકે, પૂજન અર્જન સવારે 7:00 કલાકે ધ્વજારોહણ સવારે 8:00 કલાકે અને સાવરકુંડલા શહેરના માર્ગો પર શોભાયાત્રા સવારે 9:00 કલાકે રાજભોગ આરતી 12:20 કલાકે સંત ભોજન બપોરે 1:00 કલાકે અન્નકૂટ દર્શન સાંજે 5:00 થી 8:00 સાયંમ આરતી સાંજે 6:30 કલાકે રાત્રિના સંતવાણી 10:00 કલાકે જલારામ મંદિર ખાતે યોજાશે. આ કાર્યક્રમમાં સાવરકુંડલા રઘુવંશી સમાજના જ્ઞાતિજનો વડીલો યુવાનો માતાઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે જલારામ બાપાના ચરણોમાં વંદન કરી બધાની સુખાકારી માટે પ્રાર્થના કરશે અને જય જલીયાણ કર કલ્યાણ નો નાદ ગુંજી ઉઠશે.
સલાયા
પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી જલારામ બાપાની 226મી જન્મ જયંતી છે. જે અનુસંધાને સલાયા લોહાણા મહાજન, સલાયા જલારામ અન્નક્ષેત્ર અને જલારામ સેવા સમિતિ તથા સમસ્ત હિન્દુ સમાજ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સવારે 7.30 વાગ્યે જલારામ મંદિરે મહા આરતી કરવામાં આવશે.ત્યારબાદ 10 વાગ્યે નૂતન ધ્વજારોહણ જેમાં સલાયા રઘુવંશી સમાજના અગ્રણી અને ગૌ સેવક વિપુલભાઈ સાયાણી તેમજ સલાયા મરીન પોલીસના દેવેન્દ્રસિંહ જાડેજા પૂજન કરાવશે.જ્યારબાદ 11 વાગ્યે વાજતે ગાજતે ભવ્ય શોભાયાત્રા સલાયાના વિસ્તારમાં નીકળશે.
તેમજ ત્યારબાદ સલાયા લોહાણા મહાજનવાડીમાં સમસ્ત હિન્દુ સમાજનું સમૂહ ભોજન (નાત) નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમને સફળ બનાવવા તમામ હિન્દુ સમાજના લોકો તેમજ જલારામ સેવા સમિતિ અને લોહાણા મહાજનના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.આ સુંદર પ્રસંગે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલેક્ટર સાહેબ, એસપી સાહેબ,તેમજ ડીવાયએસપી સાહેબ અને અન્ય મહાનુભાવોને આમંત્રિત કરાયા છે.
પ્રભાસપાટણ
વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ-પ્રભાસ-પાટણના રામરાખ ચોકમાં આવેલ જલારામ મંદિર સ્થાપનાને 20 વર્ષ થતાં હોઈ જેના અનુસંધાને જલારામ જયંતિએ દિવ્ય ભવ્ય કાર્યક્રમો યોજવામાં આવેલ છે. વિદેશ સ્થિત મુકુંદભાઈ તથા મીનાબેન ચુડાસમાએ આ અંગે માહિતી આપતાં જણાવ્યું કે 25 ઓકટોબરથી 27ઓકટોબર મહાપ્રસાદ- રાસ ગરબા અને સત્સંગ કથા જે બ્રહ્મપુરીના હોલ ખાતે યોજાશે.
અને 29 ઓકટોબર જલારામ જયંતિના અવસરે 29 ઓકટોબરે સાંજે 4 કલાકે પ્રભાસપાટણ શહેરમાં વાજતે-ગાજતે ધૂન-ભજન સાથે શોભાયાત્રા નિકળશે અને સાંજે મહાપ્રસાદ યોજાશે. સત્સંગ કથાના વ્યાસપીઠે માળીયાહાટીનાના ભાગગત કથાકાર શાસ્ત્રી કેતનભાઈ પેરાણી રહેશે.
અમરેલી
અમરેલી જિલ્લામાં વર્તમાન કમોસમી વરસાદ તથા ભારે વરસાદ આગાહીની પરિસ્થિતિને લઈ અમરેલી લોહાણા મહાજન દ્વારા દર વર્ષે ઉજવવામાં આવતી પૂ.જલારામબાપાની જયંતીના કાર્યક્રમોમાં મહાપ્રસાદ તથા શોભાયાત્રાના આયોજનમાં ફેરફાર કરવામાં આવેલ છે. તેમ લોહાણા મહાજનના પ્રમુખ ડો. ભરત કાનાબાર દ્વારા જણાવાયેલ છે.
અમરેલી જિલ્લામાં છેલ્લા 2 દિવસથી જે રીતે કમોસમી વરસાદ પડી રહ્યો છે. અને હજુ આગામી 3-4 દિવસો સુધી હજુ વધુ વરસાદ પડવાની હવામાન ખાતાની આગાહી છે. તે જોતા આજે પૂ. જલારામ જયંતીના પાવન પ્રસંગે જ્ઞાતિજનો માટે મહાપ્રસાદનું આયોજન કરવું અતિ મુશ્કેલ છે.
જ્ઞાતિ પરિવારો પ્રસાદ માટેનો ચોક્કસ અંદાજ લગાવવો પણ ખુબ અઘરું છે. હાલની તમામ પરિસ્થિતિનો વિચાર કરી અમરેલી લોહાણા મહાજનના ટ્રસ્ટીઓએ આ વર્ષે આવતીકાલે પૂ. જલારામ જયંતીના જ્ઞાતિભોજનનો કાર્યક્રમ હાલ પુરતો મોકૂફ કરવાનું નક્કી કર્યું છે.
આવી જ રીતે આવતીકાલે પૂ. જલારામબાપાની જન્મ જયંતી પ્રસંગે વરણાંગીના સમયે પણ વરસાદની શક્યતા હોવાથી તેમજ હાલ બે દિવસના વરસાદ પછી અમરેલીના રસ્તાઓની પરીસ્થિતિ જોતા આપણો શોભાયાત્રાનો કાર્યક્રમ પણ મોકૂફ કરેલ છે.
આજે પૂ. જલારામબાપા જયંતીના દિવસે લાઠી રોડ ઉપર આવેલ લોહાણા મહાજન વાડી ખાતે પ્રતિ વર્ષ પૂ. જલારામબાપાના મંદિરે થતી મહાઆરતીનો કાર્યક્રમ યથાવત રાખેલ છે. તો આજે તા. 29 ઓક્ટોબરના બુધવારે સાંજે 7-30 કલાકે મહાઆરતીમાં ઉપસ્થિત રહેવા જ્ઞાતિના તમામ ભાઈ બહેનોને વિનંતી કરવામાં આવેલ છે.
પૂ. જલારામબાપાની જન્મ જયંતી પ્રસંગે જ્ઞાતિ ભોજનના સ્થાને અમરેલીના તમામ જ્ઞાતિજનો પ્રસાદ વિના ના રહે તે માટે થઈ રઘુવંશી પરિવારોને પૂ. જલારામ બાપાનો પ્રસાદ પહોંચતો કરવા આયોજન કરવામાં આવેલ છે.
વેરાવળ
વેરાવળમાં પૂજ્ય સંત શિરોમણી શ્રી જલારામ બાપાની 226મી જન્મ જયંતી ભવ્ય ઉજવણી માટે તૈયારીઓને આખરી ઓપ અપાયેલ છે. વેરાવળમાં મોટી શાકમાર્કેટ પાસે આવેલ શ્રી જલારામ મંદિરે પૂજ્ય બાપાની જન્મ જયંતી પ્રસંગે તા.29 ના બુધવારે સવારે સાત કલાકે આરતી, સવારે 8-30 કલાકે પૂજ્ય બાપા નુ પૂજન, સવારે 11-30 કલાકે ધ્વજારોહણ, બપોર 12-30 કલાકે તથા સાંજે 7-00 કલાકે નાસીક ઢોલ નગારા સાથે મહાઆરતી રાખેલ છે.
અને બપોરે ચાર થી રાત્રે અગીયાર વાગ્યા સુધી અન્નકૂટ દર્શન રાખેલ છે. આ ઉપરાંત પૂજ્ય જલારામ બાપા ની ભવ્ય શોભાયાત્રા બપોરે ત્રણ કલાક મંદિરેથી નીકળનાર હોય જેમાં સૌ ધર્મપ્રેમી જનતાને પધારવા એક યાદીમાં જણાવેલ છે.
આજે સંત શિરોમણી પૂ. જલારામ બાપાની 226મી જન્મ જયંતિ સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં અનેરી ભકિત સાથે ઉજવાઇ રહી છે, ઠેર ઠેર મહાઆરતી, શોભાયાત્રા, મહાપ્રસાદ, ભકિત સંગીત તેમજ પૂજન-અર્ચનના કાર્યક્રમો સવારથી જ ચાલી રહ્યા છે. પ્રથમ બે તસ્વીર રાજકોટમાં ભીલવાસમાં આવેલા જલારામ મંદિરની છે.
જેમાં પ્રથમ તસ્વીરમાં પૂ. જલારામ બાપા, બીજી તસ્વીરમાં સવારથી જ દર્શનાર્થીઓની કતાર જોવા મળી રહી છે. અન્ય બે તસ્વીર સલાયા અને વેરાવળની છે.

