Ahmedabad,તા.16
રશીયા-યુક્રેન ઈઝરાયેલ-હમાસ-ઈરાન જેવા દેશો વચ્ચે યુદ્ધ તથા દુનિયાભરમાં અન્ય સ્થળોએ ભૌગોલીક ટેન્શન વચ્ચે ભારતની જીરૂની નિકાસને મોટો ફટકો પડયો હતો ચાલુ વર્ષે નિકાસમાં 26 ટકાનો ઘટાડો થયો છે.
જાન્યુઆરીથી એપ્રિલના ચાર મહિનામાં ભારતમાંથી 71721 ટન જીરૂની નિકાસ થઈ હતી જે ગત વર્ષે આ ગાળામાં 97545 ટન કરતા 26 ટકા ઓછી હતી. નિકાસકારોનાં કહેવા પ્રમાણે ચીને ખરીદી ધીમી કરતા મોટો ફટકો છે. કારણ કે ચીનમાં જ પુષ્કળ ઉત્પાદન થયુ છે.
ચીન જીરૂની આયાતને બદલે નિકાસ કરવા લાગ્યુ છે.આ સિવાય અન્ય દેશોમાં પણ ડીમાંડ ધીમી પડી છે. તે પાછળનુ મુખ્ય કારણ વિશ્ર્વના અનેક સ્થળોએ ભૌગોલીક ટેન્શન છે.
નિષ્ણાંતોના કહેવા પ્રમાણે ચાર મહિનામાં નિકાસ 26 ટકા ઘટી છે. અને આવતા મહિનાઓમાં વધુ ઘટી શકે છે. મે-જુનનાં સતાવાર આંકડા જારી થયા નથી પરંતુ ગત વર્ષની તુલનામાં 50 ટકા નીચી રહેવાનું અનુમાન છે.
ગુજરાતમાં ચાલૂ વર્ષે જીરૂનું ઉત્પાદન 97.93 લાખ ગુણીનું થયુ હતું. ગત વર્ષે 112.4 લાખ ગુણીનું હતું.નિકાસ ડીમાંડના વાંકે પ્રતિ કવીંટલ ભાવ ઘટીને 23500 રહ્યા હતા. ચાલુ મહીને ઘટીને 19400 થી 19600 થયા હતા.