Ahmedabad,તા.31
ગુજરાત હાઈકોર્ટે એક મહત્વના ચૂકાદામાં જણાવ્યું હતું કે અસામાન્ય સંજોગો સિવાય પાંચ વર્ષથી નાના બાળકની કસ્ટડી માતા સિવાય કોઈને મળી શકે નહી. લગ્નજીવનની ટકરારના કારણે છેલ્લા એક મહિનાથી લાપતા બનેલી પત્ની અને પુત્રીનો કબ્જો મેળવવા એક વ્યક્તિએ ગુજરાત હાઈકોર્ટમાં હેબીયર્સ કોર્પસ સુનાવણી સમયે હાઈકોર્ટના આદેશ મુજબ પોલીસે આજે માતા અને પુત્રીને હાજર કર્યા હતા.
જે સંદર્ભની સુનાવણીમાં હાઈકોર્ટના ન્યાયમૂર્તિ વિમલ કે.વ્યાસે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે પુત્રીની ઉંમર પાંચ વર્ષથી ઓછી છે અને જયાં સુધી કોઈ અસાધારણ કે વ્યાજબી કારણ ન હોય તો માતા પાસેથી આ ઉંમરની પુત્રીની કસ્ટડી લઈ શકાય નહી અને તેથી જ પુત્રીની કસ્ટડી માતાને સુપ્રત કરી હતી.
હાઈકોર્ટે જણાવ્યું કે બાળકીની ઉંમર ત્રણ વર્ષની છે અને અદાલત આ સ્થિતિમાં તેને માતાથી અલગ કરી શકે નહી. આ યુગલના 2008માં લગ્ન થયા બાદ બે પુત્રો અને એક પુત્રી સંતાનમાં છે પણ લગ્નજીવનમાં ટકરાર સર્જાતા ત્રણ વર્ષની પુત્રી સાથે માતા અલગ થઈ ગઈ હતી અને તેની ભાળ મળી ન હતી.
તે સંદર્ભમાં પતિએ કરેલી હેબીયર્સ કોર્પસની અરજી પરથી આજે પોલીસે બંનેને રજુ કર્યા હતા. પત્નીએ ફરી એક વખત પતિ સાથે જવાની અનિચ્છા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે તેમનો વિવાદ અદાલતમાં ચાલુ છે અને તેથી તે હાલ પતિ સાથે જવા માંગતી નથી.