ગતાંકથી ચાલુ (ભાગ બીજો )
લેખક: કલ્પેશ દેસાઈ
‘અજ્ઞાન અને લાલચ’
‘લાલચ ઝડપથી પૈસા બનાવવાની, સહેલાઈથી અને ટૂંકા રસ્તે પૈસા કમાવવાની, બીજા મારાથી આગળ નીકળી જશે અને હું આર્થિક રીતે તેમનાથી પાછળ રહી જઈશ’. માનવીના મન પર જ્યારે લાલચનો પડદો પડી જાય ત્યારે તે લાંબુ વિચારતો નથી અને અવિચારી પગલાં ભરી પોતાને, કુટુંબ અને સમાજને મોટી મુશ્કેલી તરફ દોરી જાય છે.
એક કહેવત છે કે ‘જ્યાં લોભ – લાલચનો વાસ હોય ત્યાં કદી ધૂતારા ભૂખે મરતા નથી’ બસ વ્યક્તિ પાત્રો સમય સ્થળ અને શહેરો બદલાતા રહે છે, Fruadની રીતો બદલાતી રહે છે, Fraud કરનાર કીમીયાગરો બદલાતા રહે છે.
‘અમદાવાદમાં આનંદ, નાગપુરમાં દેવેન, ઇટાલીમાં ઝરોસી કે યુ.એસ.માં Charles Ponzi’!!!.
સામાન્ય નાગરિક કે પોતાની મહામુલી બચત રોકાણ કરતા રોકાણકારોની જાગૃતિ માટે આપણે આ શ્રૃંખલા ચલાવી રહ્યા છીએ, જેમાં આગળ આપણે Indiaના અલગ અલગ પ્રાંત જિલ્લા અને શહેરોમાં છેતરપિંડીના બનેલા, દુઃખદ બનાવોની રસપ્રદ શૈલીમાં રજૂઆત કરીશું પરંતુ ત્યાર પહેલા છેતરપિંડીના God Fatherની જીવનકથની પૂર્ણ કરીએ.
વર્ષ હતું 1919 નું, ઉનાળાની બપોરે, Charles Ponzi પોતાની Advertisement Agency, 27 સ્કૂલ સ્ટ્રીટ, બોસ્ટન ખાતે આવેલી નાનકડી ઓફિસ પર હતો ત્યારે તેને Spanની એક સંભવિત ગ્રાહક કંપની તરફથી જાહેરાત માટેની પૂછપરછ કરતી એક ટપાલ મળી તેમજ આ ટપાલ સાથે જોડેલું હતું ‘પોસ્ટલ રીપ્લાય કુપન’ આ એ જ કુપન હતું જે સંભવત: આવનાર દિવસોમાં Charles Ponzi, બોસ્ટન અને યુ.એસ.એ. નું ભાગ્ય બદલી નાખવાનું હતું અને બધાને લઈ જવાનું હતું ભયાનક છેતરપિંડીના સાક્ષી બનવા.
International Reply Coupon (IRC)
Postal Reply Coupon એક દેશની વ્યક્તિને બીજા દેશના વ્યક્તિના જવાબી Post માટે ચૂકવણી કરવાની મંજૂરી આપે છે. IRC ની કિંમત ખરીદીના દેશમાં Postની કિંમત પર રાખવામાં આવી હતી, પરંતુ જે દેશમાં વટાવવામાં આવે છે, તે દેશની Postની કિંમતને આવરી લેવા માટે Stamp સામે રોકડ મેળવી શકાય છે; જો આ બંને દેશમાં ચાલતી કરન્સી અલગ અલગ હોય તો સ્વાભાવિક રીતે ખરીદી તેમજ વેચાણ ની કિંમત અલગ જ હોય, તો નફો થવાની પણ સંભાવના હોય.
First World War પછી ફુગાવાને કારણે Italyમાં પોસ્ટેજની કિંમત US Dollarમાં દર્શાવવામાં આવતી હતી, જેથી કરીને IRC Italyમાં સસ્તા ભાવે ખરીદી શકાય અને ઉચ્ચ મૂલ્યના US Stamp માટે વિનિમય કરી શકાય, જે પછી વેચી શકાય. આ એક પ્રકારનું આર્બિટ્રેજ હતું, અથવા એક બજારમાં નીચી કિંમતે ખરીદીને અને તરત જ તેને એવા બજારમાં વેચીને નફો મેળવવો હતો જ્યાં કિંમત વધુ હોય, જે કાયદેસર હતુ અને આજે પણ કાયદેસર જ છે.
શિયાળ જેવા ખંધા, લુચ્ચા અને ચાલાક Charles Ponziનું મગજ બમણી ઝડપે દોડવા માંડ્યું હતું. તેને પોતાના માટે બેસુમાર દોલત કમાવાનો કિમીઓ મળી ગયો હતો. પરંતુ આ બેસુમાર દોલત કમાવા માટે હવે એકમાત્ર વિઘ્ન હતું અને તે હતું પ્રારંભિક તબક્કાની મૂડીનું, આના માટે Charles Ponziએ ઘણી બધી બેંકો અને શરાફનો સંપર્ક કર્યો પરંતુ ત્યાંથી તેને નિરાશા સાંપડી, પણ એમ હાર માને એ બીજા.
Charles Ponziએ મિત્રો, પરિચિતો અને જાહેર જનતા પાસેથી નાણા મેળવવાનું વિચાર્યું અને તે માટે તેણે એક Stock Companyની સ્થાપના પણ કરી તેમજ લોકોને વચન આપવાનું શરૂ કર્યું કે તે 90 દિવસમાં રોકાણ બમણું કરી દેશે, ખાસ એવા સમયે જ્યારે બેંકો માત્ર 5% વાર્ષિક વ્યાજ ચૂકવતી હોય.
Charles Ponziએ લોકોને સમજાવ્યું કે Postal Reply Couponsમાંથી મળેલા મબલખ વળતરથી આટલો અવિશ્વસનીય નફો સરળતાથી પ્રાપ્ત થશે. Charles Ponziએ દાવો કર્યો હતો કે IRC વ્યવહારો પરનો ચોખ્ખો નફો, ખર્ચ અને વિનિમય દરો પછી, પણ ૪૦૦% થી વધુ હતો! અને Charles Ponzi દ્વારા ફેંકવામાં આવેલ અતિ લલચામણું પાસુ સવળું પડ્યું હતું.
શરૂઆતમાં કેટલાક લોકોએ રોકાણ કર્યું અને વચન મુજબ ચૂકવણી પણ કરવામાં આવી, 1,250 ડોલરના રોકાણો પર અધધ… 750 ડોલર વ્યાજ!!. બસ ખતમ લોકોને Charles Ponzi ઉપર આંધળો વિશ્વાસ બેસી ગયો અને વાત વંટોળીયાની જેમ ફેલાવા લાગી, લોકો પોતાના મિત્રો, પરિચિતોને કહેવા લાગ્યા કે, Charles Ponziને પૈસા આપો, 90 દિવસમાં બમણા કરી દેશે”.
જાન્યુઆરી 1920માં, 18 લોકોએ Charles Ponziની કંપનીમાં કુલ 1,800 ડોલરનું રોકાણ કર્યું. નવા રોકાણકારો પાસેથી મેળવેલ નાણાંમાંથી Charles Ponziએ 750 ડોલરની વ્યાજ પેટે જુના રોકાણકારોને ચૂકવણી કરી!!. અને લોકોનો આંધળો વિશ્વાસ જીતી લીધો. પણ અફસોસ…
આગામી મહિનાઓ Charles Ponzi, બોસ્ટન, ન્યૂયોર્ક અને સમગ્ર USA તેમજ England માટે સદીઓ સુધી યાદ રહેનાર દૂ:સ્વપ્ન બની રહેવાનું હતું તેની ક્યાં કોઈને ખબર હતી?…
‘પ્રવેશ દ્વાર સ્વર્ગનું કે નર્કનું?’
Postal Reply Couponsના સ્વરૂપમાં Charles Ponziને તો પોતાના માટે સ્વર્ગનું પ્રવેશદ્વાર મળી ગયું હતું પણ આ જ પ્રવેશ દ્વાર લોકો માટે નર્કનું પ્રવેશ દ્વાર બની રહેવાનું હતું તેમાં કોઈ બે મત ન હતો. પરંતુ ‘લાલચનું પલડું હંમેશા સમજદારીના પલડા કરતા ભારે જ હોય છે’ એ ઉક્તિ મુજબ લોકોની લાલચ તેમને Charles Ponzi સુધી ખેંચી આવવા લાગી. લોકોની નાડ પારખી ગયેલા Charles Ponziએ વધુમાં વધુ લોકોને આકર્ષવા તેમ જ આંજી દેવા માટે સ્કૂલ સ્ટ્રીટ પર આવેલી નાઇલ્સ બિલ્ડીંગમાં એક અતિ ભવ્ય અને અતિ મોટી ઓફિસની સ્થાપના કરી.
“Charles Ponzi નામનો વ્યક્તિ 90 દિવસમાં પૈસા બમણા કરી આપે છે”, આગની જવાળાઓની જેમ વાત ફેલાતી ગઈ અને લોકોનું રોકાણ ઝડપથી વધ્યું. Charles Ponziને ખબર હતી કે જો રોકાણનો પ્રવાહ સતત ચાલુ રહેશે તો જ નવા-નવા રોકાણમાંથી, જુના રોકાણકારોને વ્યાજ પેટે રકમ ચૂકવી શકાશે અને આ માટે તેને રોકાણનો પ્રવાહ અવિરત ચાલુ રાખવો ખૂબ જ જરૂરી હતો અને Charles Ponzi તે પ્રવાહ જાળવી રાખવામાં માહેર, કુશાગ્ર અને ખંધો હતો પોન્ઝીએ એજન્ટો રાખ્યા અને તેમને ખુબ મોટા કમિશન ચૂકવ્યા જેથી એજન્ટો નવા નવા લોકોને પોતાની સ્કીમમાં લઈ આવી શકે.
ફેબ્રુઆરી અને માર્ચ 1920 ની વચ્ચે, રોકાણ કરાયેલ કુલ રકમ 5,000 ડોલરથી વધીને 25,000 ડૉલર થઈ ગઈ હતી. જેમ જેમ લોકપ્રવાહ અને આકર્ષણ વધતુ ગયુ તેમ, Charles Ponziએ New England and New Jerseyમાં પણ નવા રોકાણકારોને શોધવા માટે એજન્ટો રાખ્યા. તે સમયે, રોકાણકારોને પ્રભાવશાળી વળતર ચૂકવવામાં આવતુ હતા, જેથી મોટું વળતર મેળવનાર લોકો અન્ય લોકોને રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરે.
Charles Ponziની સ્કીમમાં લોકો એટલા પૈસા ઠાલવવા લાગ્યા કે રોકાણના રકમની વાત જવા દો, જો તેની આવક અને કમાણીની વાત કરીએ તો, મે 1920 સુધીમાં, તેણે 4,20,000 ડોલરની કમાણી કરી લીધી હતી. જૂન 1920 સુધીમાં, લોકોએ Charles Ponziની યોજનામાં 2.5 મિલિયન ડૉલરનું રોકાણ કર્યું હતું જૂલાઇ સુધીમાં, તે, અધધ.. રોજના એક મિલિયન ડોલરની નજીક પહોંચી ગયો હતો!!!.
રોકાણકારોનો પ્રવાહ સતત વધતો જતો હોય Charles Ponzi પોતાના વાયદા મુજબ વળતરની લોકોને નિયમિત ચૂકવી શકતો હતો અને આ નિયમિત ચુકવણીને કારણે લોકો તેમની સાથે બમણા જોશથી જોડાયેલા રહેતા હતા તેમજ નવા નવા લોકોને આમા જોડાવવા કહેતા રહેતા હતા. એનાથી આગળ કેટલાક રોકાણકારો તો એવા હતા જેમણે પોતાના ઘર, દુકાન, ઓફિસ, ખેતર, સોનું અને અન્ય મિલકતો ગીરવે મુકી અને Charles Ponziની સ્કીમમાં રોકાણ કર્યું હતુ. આ યોજનાની પરાકાષ્ટા તો એ હતી કે લોકો પોતાનો નફો કે વ્યાજ પણ આમાંથી ઉપાડતા નહોતા અને તેનુ ફરીથી રોકાણ કરી તેને 90 દિવસમાં ડબલ કરવા માટે Charles Ponziને આપી દેતા. વળી કેટલાક રોકાણકારો તો પોતાના રોકાણ ઉપરાંત પોતે Charles Ponziના એજન્ટ તરીકે પણ કાર્ય કરવા લાગ્યા હતા અને તેઓ આગળ અન્ય નવા લોકોને 90 દિવસના બદલે 120 દિવસ કે 150 દિવસમાં પૈસા ડબલ કરવાનું કહી અને વચ્ચેથી પોતાનું કમિશન મેળવી લેતા. આમ એક સમયે તો એવી પરિસ્થિતિ હતી કે, Charles Ponziની યોજનામાં લોકોનો માત્ર રોકાણનો જ પ્રવાહ હતો. કોઈપણ લોકો પોતાના પૈસા પરત લેવા કે ઉપાડવા આવતા જ નહીં માત્ર અને માત્ર રોકવા વાળા કોઈ ઉપાડવા વાળા જ નહીં!!.
દરિયાની ભરતી ની જેમ સતત ચાલી આવતી આ બેસુમાર દોલતમાંથી Charles Ponziએ બોસ્ટનની હેનોવર ટ્રસ્ટ બેંકમાં પૈસા જમા કરાવવાનું શરૂ કર્યું, એવી આશામાં કે એકવાર તેનું ખાતું એટલું મોટું થઈ જાય કે તે બેંક પર નિયંત્રણ મેળવી શકે અથવા તો બેંક જ તેને પ્રમુખ બનાવી દે. તેણે 3 મિલિયન ડૉલર જમા કરાવ્યા પછી પોતાના અને કેટલાક મિત્રો દ્વારા બેંકમાં ઘણું ખરું નિયંત્રણ મેળવી પણ લીધું. જુલાઇ 1920 સુધીમાં Charles Ponziએ લાખોની કમાણી કરી લીધી હતી. તે દરમિયાન Charles Ponziની કંપનીએ મેઈનથી ન્યુ જર્સી સુધી શાખાઓ પણ સ્થાપી દીધી હતી.
માત્ર સાત મહિના જેવા ટૂંકા ગાળામાં Charles Ponzi યુ.એસ. અને યુરોપના રોકાણકારોનો ભગવાન બની ગયો હતો. લોકો દ્રઢ પણ એવું માનવા લાગ્યા હતા કે Charles Ponzi પાસે ધંધો કરવાની, નફો કરવાની એવી આવડત, કલા અને દૂરંદેશી છે કે જે સામાન્ય લોકો પાસે નથી Charles Ponziની નજર એટલે દૂર સુધી પહોંચે છે કે જ્યાં સુધી સામાન્ય લોકો વિચારી પણ શકતા નથી અને તે માટે જ Charles Ponzi સર્વ શક્તિમાન છે અને સંપત્તિનું સર્જન કરવા માટે જ તેણે આ પૃથ્વી પર જન્મ લીધો છે.
પરંતુ વાસ્તવિકતા શું હતી? ‘વાસ્તવિકતા હતી હળાહળ જુઠાણું, છેતરપિંડી અને ખોટ’. Charles Ponziની કંપની એક પણ પેનીના International Reply Coupon ખરીદતી જ નહોતી કારણ કે, તે જે દાવો કરતો હતો એટલો ખરેખર નફો તેમાં હતો જ નહીં અને ક્યારેક તો તેમાં નુકસાની પણ જતી. આઘાતજનક અને જલદ સત્ય તો એ હતું કે, Charles Ponzi પાસે આવતા દરેક નવા રોકાણમાંથી તે જૂના રોકાણકારોને વળતર ચૂકવતો જતો હતો અને તેના આધારે સતત નવું રોકાણ મેળવતો જતો હતો, ચુકવણું માંડ 10 ડોલરનું થાય ત્યાં નવા 90 ડોલર રોકવા માટે લોકો લાઇનમાં ઉભા રહી ગયા હોય, પણ આવું આખરે ક્યાં સુધી ચાલવાનું હતું??..
વધુ આવતા મંગળવારે અને આખરી અંકમાં…