Surat,તા.01
સુરતના મોટા વરાછા લજામણી ચોક મેરીડીયન બિઝનેસ સેન્ટર સ્થિત સનરાઈઝ ડેવલોપર્સની ઓફિસમાં સુરત શહેર એસઓજીએ ગતરાત્રે રેઈડ કરી ત્યાં કન્સ્ટ્રકશન ઓફીસની આડમાં શેરબજારમાં ડબ્બા ટ્રેડીંગ કરતી અને ઓનલાઈન ગેમીંગ રમાડતી ટોળકીના બે મુખ્ય સૂત્રધાર સહિત આઠની ટોળકીને ઝડપી પાડી ત્યાંથી રોકડા રૂ.૧૦.૦૫ લાખ, ૧૯ મોબાઈલ ફોન વિગેરે મળી કુલ રૂ.૧૭.૩૦ લાખનો મુદ્દામાલ કબજે કરી અન્ય એક સૂત્રધાર તેમજ સીમકાર્ડ આપનારને વોન્ટેડ જાહેર કર્યા હતા.એસઓજીની પ્રાથમિકતપાસમાં ખુલાસો થયો હતો કે તેમણે બનાવેલી ૨૫૦ જેટલી આઈડી અને બેન્ક એકાઉન્ટોમાં છેલ્લા બે વર્ષમાં રૂ.૯૪૮ કરોડના નાણાંકીય વ્યવહારો થયા છે.
કન્સ્ટ્રકશન ઓફીસની આડમાં શેરબજારમાં ડબ્બા ટ્રેડીંગ કરતી ટોળકી ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક જેવા સોશિયલ મીડિયામાં જાહેરાત આપી શેરબજારમાં ઓછા સમયમાં વધુ વળતર આપવાનું કહી ગ્રાહકો ઉભા કરતી હતી.તેઓ ગ્રાહકને તેમના બ્લેક મનીનું રોકાણ કરવા કહેતા હતા.તેઓ તે માટે તેવું કહેતા હતા કે બ્લેક મનીનું રોકાણ તો થશે સાથે જો તેમાં નફો કે નુકશાન થાય તો સ્ટોક માર્કેટના ટ્રેડીંગની જેમ તમારે તેમાં સરકારી ટેક્સ ચૂકવવો પડશે નહીં.તેઓ પોતાની બે બે વેબ્સાઈટની લીંક મોકલી તેમાં ગ્રાહકોને યુઝર આઈડી અને પાસવર્ડ આપતા હતા.તેઓ રોકાણ કરનાર પાસેથી પૈસા આંગડીયા મારફતે મેળવતા હતા.તો કેટલાક ગ્રાહકો પાસે રુબરુ જઈ પણ મેળવતા હતા.
એસઓજીના હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ પાતાભાઈ અને રમેશભાઈ મનુભાઈને મળેલી સંયુકત બાતમીના આધારે પીઆઈ એ.એસ.સોનારા, પીએસઆઈ આર.એસ.ભાટીયા અને ટીમે ગતરાત્રે મોટા વરાછા લજામણી ચોક પાસે મેરીડીયન બિઝનેસ સેન્ટરની ઓફિસ નં.૬૦૪ અને ૬૦૫ સ્થિત સનરાઈઝ ડેવલોપર્સની ઓફિસમાં રેઈડ કરી હતી. ત્યાં કેસ્ટિલો ૯ અને સ્ટોકગ્રો, વેબ સોફ્ટવેર ડેવલોપર્સ થકી ગ્રાહકોનો સંપર્ક કરી શેરબજારમાં ડબ્બા ટ્રેડીંગ કરતી અને પ્રતિબંધિત વેબ સોફ્ટવેર થકી ક્રિકેટ, ટેનીસ, ફુટબોલ જેવી લાઈવ રમતો ઉપર તેમજ કસીનો ગેમીંગ ઉપર ઓનલાઈન સટ્ટો રમાડતી ટોળકીના બે સૂત્રધાર નંદલાલ ઉર્ફે નંદો ગેવરીયા, વિશાલ ઉર્ફે વિક્કી ગેવરીયા મળ્યા હતા.એસઓજીએ ઓફિસમાં તપાસ કરતા ત્યાં શેરબજાર ટ્રેડીંગ અને ઓનલાઇન ગેમીંગ માટેના વેબપેજ કોડીંગ કરી તેને સર્વરમાં હોસ્ટીંગ કરતા બે વેબ ડેવલોપર્સ ભાવેશ કિહલા અને બકુલ તરસરીયા પણ મળ્યા હતા.
ઓફીસમાં હાજર મળેલા ચાર કર્મચારી જયદિપ પીપળીયા, ભાવિન હિરપરા, નવનીત ગેવરીયા અને સાહિલ સુવાગીયા શેર બજાર ટ્રેડીંગ અને ઓનલાઇન ગેમીંગ માટે લોકોનો સોશિયલ મીડિયા મારફતે સંપર્ક કરી તેમને ઓછા રોકાણે વધુ નફો કરવાની લાલચ આપી મોટી રકમનું રોકાણ કરાવતા હતા. એસઓજીએ બે સૂત્રધાર નંદલાલ ઉર્ફે નંદો ગેવરીયા, વિશાલ ઉર્ફે વિક્કી ગેવરીયાની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તેઓ કન્સ્ટ્રકશન ઓફીસની આડમાં છેલ્લા બે વર્ષથી પરીમલ કાપડીયા સાથે મળી શેર બજાર ટ્રેડીંગના નામે રોકાણ કરાવી અને ઓનલાઈન ગેમીંગ રમાડી પૈસા પડાવતા હતા.તે માટે સીમકાર્ડતેઓ જાવેદ ઉર્ફે જેડી પાસે મેળવતા હતા.
એસઓજીએ હાથ ધરેલી પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે તેઓ એકાઉન્ટ ધારકની જાણ બહાર તેમના નામે એકાઉન્ટ ખોલાવી તેના નેટ બેંકીંગના યુઝર નેઈમ અને પાસવર્ડ મેળવતા હતા અને તેમાં રોકાણકારોના પૈસા જમા કરાવી સ્ટોક માર્કેટમાં રોકાણ કરવાને બદલે પોતાના ડેવલોપ કરેલા વેબપેજમાં રોકાણ કરતા હતા.એસઓજીને તેમણે બનાવેલી ૨૫૦ આઈડીમાં રૂ.૯૪૩,૩૭,૩૫,૮૦૭ ના તેમજ અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં રૂ.૪,૬૨,૭૩,૩૯૮ ના મળી કુલ રૂ.૯૪૮,૦૦,૦૯,૨૦૬ ના કુલ નાણાંકીય વ્યવહારો મળ્યા હતા.એસઓજીએ આ અંગે ઉત્રાણ પોલીસ મથકમાં ગુનો નોંધાવી સાથી સૂત્રધાર કાપડીયા કને સીમકાર્ડ આપનાર જાવેદ ઉર્ફે જેડીને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
એસઓજીની તપાસમાં જાણવા મળ્યું છે કે બે સૂત્રધાર પૈકી નંદલાલ ઉર્ફે નંદો શેરબજારમાં ડબ્બા ટ્રેડીંગ છેલ્લા ૧૦ વર્ષથી કરે છે. તેના વિરુદ્ધ ઓક્ટોબર ૨૦૨૧ માં શેરબજારમાં ડબ્બા ટ્રેડીંગ અંગેનો ગુનો નોંધાયો હતો,ઉપરાંત જાન્યુઆરી ૨૦૨૧ માં જ તે સરથાણામાં ઓનલાઈન સટ્ટા માટેની આઈડી આપતા પણ ઝડપાયો હતો.
અન્ય સૂત્રધાર વિશાલ ઉર્ફે વિક્કી ગેવરીયા વિરુદ્ધ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં વર્ષ ૨૦૧૯ માં જુગારનો ગુનો નોંધાયો છે અને તે નંદલાલ સાથે ઓનલાઈન સટ્ટા માટેની આઈડી આપવામાં સામેલ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.