Dahod ,તા.૧૧
દાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચે બનાવટી ચલણી નોટોનો જથ્થો ઝડપી ૫ આરોપીઓને સકંજામાં લીધા છે. પાંચેય આરોપીઓના લોકલ ક્રાઈમ બ્રાન્ચે ૭ દિવસનાં રિમાન્ડ મેળવ્યા છે.
દાહોદ એલસીબી અને એસઓજી પોલીસે સંયુક્ત કાર્યવાહીમાં ફતેપુરા તાલુકાના લીમડિયા ગામમાં નકલી નોટ છાપતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. દાહોદ પોલીસને નકલી ચલણી નોટોના રેકેટનો પર્દાફાશ કરવામાં સફળતા મળી છે,એલસીબી અને એસઓજી ટીમે ફરિયાદ નોંધ્યા બાદ ફતેપુરા તાલુકાના લીમડિયા ગામના એક દંપતી સહિત એક વ્યક્તિની ધરપકડ કરી હતી. બાદમાં અન્ય આરોપીઓને પણ શોધી કાઢવામાં આવ્યા છે. તેમની પાસેથી ૨૧,૦૦૦ રૂપિયાની નકલી ભારતીય ચલણી નોટો અને નકલી નોટો છાપવા માટે વપરાતા પ્રિન્ટર-લેપટોપ જપ્ત કરવામાં આવ્યા હતા. પોલીસે આરોપી દંપતીને કોર્ટમાં રજૂ કર્યા અને કોર્ટે તેમને ૭ દિવસના રિમાન્ડ પર લીધા છે. આ કેસમાં પોલીસે દંપતી સહિત કુલ ૫ આરોપીઓની ધરપકડ કરી છે.
લીમડીયા ગામે માંડલી ફળિયામાં રહેતા અશ્વિનાબેન કાનજીભાઈ ગરાસીયા અને કાનજીભાઈ ખુમાભાઈ ગરાસીયાના ઘરે પોલીસે દરોડો પાડયો હતો. ઘરમાંથી એક લેપટોપ, બે પ્રિન્ટર, સુરક્ષા દોરો અને નકલી નોટો છાપવા માટેનો કાગળ મળી આવ્યો હતો. તપાસમાં જાણવા મળ્યું કે મુકેશભાઈ કામોળ, રાકેશભાઈ પારગી, હુસૈન પીરા અને અન્ય એક વ્યક્તિ પણ આ રેકેટમાં સામેલ હોવાનું ખુલ્યું છે. આરોપી પાસે આઠ રાજ્યોમાં નકલી નોટો ફેલાવવાનું નેટવર્ક ધરાવતા હતા. ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં પણ આ નકલી નોટો ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પોલીસે ૫ આરોપીઓની ધરપકડ કરી છે. દાહોદ એલસીબીએ આ મામલે ગુનો નોંધ્યો છે અને કોર્ટમાંથી ૭ દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
એ યાદ રહે કે અગાઉ અમદાવાદમાં ટ્રાફિક પોલીસે નકલી ચલણી નોટો ઝડપાઈ હતી, અમદાવાદ ટ્રાફિક પોલીસે ૫૦૦ની નકલી ચલણી નોટો સાથે ત્રણની ધરપકડ કરાઈ હતી. ૫૦૦ના દરની નકલી ૧,૮૫૨ નકલી નોટો જેની કુલ કિંમત ૯.૨૬ લાખ હોવાનું સામે આવ્યું છે. મેહુલ સોની, નિખિલ સોની અને વિશાલ કર્ના નામની શખ્સની ધરપકડ કરવામાં આવી છે. એમપી પાસિંગની કારમાંથી નકલી નોટો મળી હતી.
અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસે અદાણી સર્કલ પાસેથી વાહન ચેકિંગ દરમિયાન નકલી ચલણી નોટો ઝડપી પાડી હતી. આઇ ડિવિઝન ટ્રાફિક પોલીસે મધ્ય પ્રદેશની એક ગાડીની તપાસ કરી હતી જેમાંથી નકલી ચલણી નોટો મળી આવી હતી.