નવાગામ ઘેડ સહિતના વિસ્તારના ૨૦ યુવકો વિડીયો બનાવીને ફૂલ સ્પીડે પરત ફરતા હતા દરમિયાન ખીજડીયા પાસે અકસ્માત નડયો
Jamnagar,તા.21
જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર ખીજડીયા ગામના પાટીયા પાસે શનિવારે રાત્રે જામનગર તરફ આવી રહેલું એક બાઈક એક ટૂંક સાથે અથડાઈ પડતાં અકસ્માત સર્જાયો હતો, અને બાઈકના ચાલક અંકિત દિલીપભાઈ મકવાણા નામના ૧૮ વર્ષના યુવાનને ગંભીર ઈજા થઈ હતી, અને તેને લોહી લુહાણ હાલતમાં ૧૦૯ નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાંઆવ્યો છે, અને હાલ તેની આઈ.સી.યુ. વિભાગમાં સધન સારવાર ચાલી રહી છે.
આ બનાવની જાણ થતા પંચકોષી એ. ડિવિઝનના પોલીસ હેડ કોન્સ્ટેબલ ભાવેશભાઈ લાંબરીયા બનાવના સ્થળે તેમજ જીજી હોસ્પિટલમાં દોડી ગયા હતા. અને સમગ્ર અકસ્માતના બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે. ઈજાગ્રસ્ત યુવાન અંકિત મકવાણા કે જે જામનગરમાં નવાગામ ઘેડ- હનુમાન ચોક વિસ્તારમાં રહે છે, તેની સાથેના અન્ય ૨૦ જેટલા યુવાનો કેજેઓ શનિવારે રાત્રે લૈયારા નજીક એક ઉપના કાર્યક્રમમાં હાજરી આપવા માટે ગયા હતા, અને ત્યાંથી તમામ યુવાનો પોત પોતાના બાઈક ની રેસ કરીને જામનગર પરત ફરી રહ્યા હતા, જેમાં એક યુવાન પોતાના મોબાઈલ ફોનમાં વિડીયો પણ ઉતારી રહ્યો હતો.
જે દરમિયાન અંકિત મકવાણા એક ટ્રક સાથે અથડાઈ પડયો હતો. જેનો પણ વિડિયો બનાવ્યો હતો, અને સોશિયલ મીડિયામાં ફરતો થયો છે. સમગ્ર અકસ્માત મામલે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.