આરોપીનો આ વિસ્તારમાં આતંક વધતા હવે વેપારીઓએ એક જૂથ થઇને પોલીસ પાસે મદદ માગી છે
Ahmedabad, તા.૧૪
અમદાવાદ શહેર પોલીસના રાજમાં ગુનેગારો બેફામ બન્યા હોવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. શહેર પોલીસનો ખોફ હવે ગુનેગારોમાં રહ્યો ન હોય તેવી એક બાદ એક ઘટના બની રહી છે. દરિયાપુર દરવાજા પાસે આવેલા વાહન બજારમાં વેપારીઓને ધમકાવીને ખંડણી માગનાર શખ્સનો આતંક વધી ગયો હતો. શરૂઆતમાં વેપારીઓ આ શખ્સના આંતકને વશ થઇને હપ્તો પણ આપતા હતા, પરંતુ તેનો આતંક વધતા પોલીસને જાણ કરાઇ હતી. જેને લઇને ખંડણી માગનાર ટપોરી વિરુદ્ધ માધવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઇ છે. ઉલ્લેખનીય છે કે, આરોપી વિરુદ્ધ અગાઉ પણ વેપારીઓએ ફરિયાદ કરી હતી. જેને લઇને તે ફરીથી ગયો હતો અને વેપારીઓને ધમકાવીને નાણાં માગવા લાગ્યો હોવાનું સામે આવ્યું છે. સરદારનગરની સાંઇબાબા સોસાયટીમાં રહેતા મનોજ રાજાણી દરિયાપુર દરવાજા બહાર ઓટો કન્સલ્ટ દુકાન ધરાવીને ટુવ્હીલર લે-વેચનો ધંધો કરે છે. મનોજ અને તેનો ભાઇ હરીશ દુકાન પર આવ્યા ત્યારે લક્ષ્મીચંદ ઘાંચીની ચાલીમાં રહેતો સુરેશ ઉર્ફે સૂર્યા નાડિયા આવ્યો હતો. સુરેશ બુલેટના આરાવાળું લોખંડનું વ્હીલ ઉપાડીને ઓફિસમાં ધસી આવ્યો હતો. બાદમાં તમે બધા વેપારીએ અગાઉ મારા વિરુદ્ધ ફરિયાદ કરી હતી, જેમાં કોર્ટમાં વકીલનો ખર્ચો થયો છે. તમારે આ વિસ્તારમાં વેપાર કરવો હોય તો મને દર અઠવાડિયે પાંચ હજાર રૂપિયા આપવા પડશે, નહીં તો તમને જાનથી મારી નાખીશ અને કાયમી ધંધો બંધ કરાવી દઇશ તેવી ધમકી આપી વિસ્તાર બાનમાં લીધો હતો. બાદમાં સુરેશે વધુમાં ધમકી આપતા કહ્યું હતું કે, હું આ એરિયાનો દાદા છું, મારું બીજા કોઇ લોકો કશું બગાડી લેશે નહીં. જેથી મનોજે તું અમને કેમ હેરાન કરી રહ્યો છે તેમ કહેતા જ સુરેશે લોંખંડનું વ્હીલ મારવાની ધમકી આપતા મનોજે પાંચ હજાર આપ્યા હતા. બાદમાં તેણે આસપાસની દુકાનોમાંથી પણ માર મારવાની ધમકી આપી રૂપિયા પડાવ્યા હતા.વેપારીઓએ આ મામલે પોલીસને જાણ કરતા માધવપુરા પોલીસે સુરેશ સામે ગુનો નોંધ્યો છે. ખંડણીખોર એવા બની બેઠેલા ડોન સુરેશને માધવપુરા પોલીસ કેટલા સમયમાં ઝડપી પાડી વેપારીઓને સુરક્ષાનો અહેસાસ કરાવી શકે છે તે જોવાનું રહેશે. આરોપી સુરેશ ઉર્ફે સૂર્યા નાડિયાએ અગાઉ પણ મુલો ઉર્ફે મોહીતભાઇ વાઝવાણી તથા બીજા વેપારીઓને ડરાવી ધમકાવીને બેથી પાંચ હજાર પડાવ્યા હતા. ગઇકાલે પણ આરોપીએ મનોજભાઇ સહિત અન્ય વેપારીઓ પાસેથી નાણાં પડાવ્યા હતા. આરોપીનો આ વિસ્તારમાં આતંક વધતા હવે વેપારીઓએ એક જૂથ થઇને પોલીસ પાસે મદદ માગી છે ત્યારે પોલીસ શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર છે.