New Delhi,તા.30
લાંબા સમયની માંગણી બાદ સીધા કરવેરા માટેના બોર્ડ (સીબીડીટી) એ ટેક્ષ ઓડીટ કેસ અને ઓડીટ આવકવેરા રીટર્ન માટેની આખર તારીખ લંબાવી છે. ગઈકાલે બહાર પડાયેલા એક નોટીફીકેશન મુજબ ટેક્ષ ઓડીટ કેસ માટે તા.31 ઓકટોબરની જે આખર તારીખ હતી તે 10 ડિસેમ્બર 2025 સુધી લંબાવવામાં આવી છે તો ઓડિટ રિપોર્ટ સુપ્રત કરવાની ડેડલાઈન તા.10 નવે 2025 સુધી લંબાવવામાં આવી છે.
જે અગાઉ 31 ઓકટોબર 2025 હતી. આવકવેરા વિભાગ દ્વારા આ અંગે સોશ્યલ મીડીયા પોસ્ટમાં સીબીડીટીનો હવાલો આપીને આ માહિતી આપી હતી. જો કે વ્યાપાર ઉદ્યોગના સૂત્રોએ આ પ્રકારે ડેડલાઈન વધારાને આંશિક રાહત ગણાવી હતી. ખાસ કરીને ટ્રાન્સફર પ્રાઈસીંગ ઓડીટ અંગે હજું ચિંતા યથાવત છે. જેને આ પ્રકારની ડેડલાઈન વધારામાં સામેલ કરવામાં આવ્યા નથી.
ખાસ કરીને આંતરરાષ્ટ્રીય વ્યાપાર કરતી કંપનીઓ માટે આ જરૂરી છે. જયારે વિદેશી કંપનીઓ ટેક્ષ ઓડિટ રિપોર્ટ હેઠળ આવતી નથી તેથી હવે આ મુદે સીધા કરવેરા બોર્ડ સમક્ષ રજુઆત થશે.
અગાઉ પંજાબ-હરિયાણા હાઈકોર્ટે આ મુદે સીબીડીટીને નોટીસ પાઠવી હતી. પરંતુ આ ડેડલાઈન વધતા હવે આ કેટેગરીના કરદાતાને રાહત થશે.

