Mumbai,તા.14
ફિલ્મ જગતમાંથી એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. સાઉથ સિનેમાના પીઢ અભિનેત્રી બી. સરોજા દેવીનું નિધન થઈ ગયું છે. તેમણે 87 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે તેમને ઉંમર સંબંધિત સમસ્યાઓ હતી. તેઓ બેંગલુરુના મલ્લેશ્વરમ સ્થિત પોતાના નિવાસસ્થાને બેભાન હાલતમાં મળી આવ્યા હતા. પરિવારના સભ્યોએ તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યા, પરંતુ તપાસ બાદ ડોક્ટરોએ તેમના નિધનની પુષ્ટિ કરી.
14 જુલાઈ 2025ના રોજ સરોજા દેવીએ આ દુનિયાને અલવિદા કહી દીધું છે. તેમના નિધનથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર છે. સરોજા દેવીએ પોતાના 7 દાયકાના લાંબા કરિયરમાં લગભગ 200થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું, તેમાં તમિલ, કન્નડ, તેલુગુ અને હિન્દી સિનેમા સામેલ છે.
સરોજા દેવીનો જન્મ 7 જાન્યુઆરી 1938ના રોજ કર્ણાટકમાં થયો હતો. તેમણે માત્ર 17 વર્ષની ઉંમરે પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે 1955માં આવેલી ફિલ્મ ‘મહાકવિ કાલિદાસ’થી સિનેમામાં પ્રવેશ કર્યો હતો, પરંતુ તેમને અસલી ઓળખ 1958માં આવેલી તમિલ ફિલ્મ ‘નડોદી મનન’ થી મળી, જેમાં તેઓ સુપરસ્ટાર એમ.જી. રામચંદ્રન સાથે નજર આવ્યા હતા. ત્યારબાદ તેઓ દક્ષિણ ભારતીય સિનેમાની સૌથી લોકપ્રિય અને સફળ અભિનેત્રીઓમાં સામેલ થઈ ગયા.
સરોજા દેવી ‘અભિનય સરસ્વતી’ અને ‘કન્નડથુ પૈંગિલી’ જેવા નામોથી પણ ઓળખાતા હતા. તેમણે માત્ર તમિલ જ નહીં પરંતુ કન્નડ, તેલુગુ અને હિન્દી ફિલ્મોમાં પણ પોતાના શાનદાર અભિનયનો જાદુ ચલાવ્યો. તેમણે દિલીપ કુમાર, શિવાજી ગણેશન, એનટી રામા રાવ, રાજકુમાર જેવા દિગ્ગજ કલાકારો સાથે ઘણી યાદગાર ફિલ્મો આપી.
તેમના આ યોગદાન માટે ભારત સરકારે તેમને 1969માં પદ્મશ્રી અને 1992માં પદ્મ ભૂષણ જેવા પ્રતિષ્ઠિત પુરસ્કારોથી સન્માનિત કર્યા હતા. આ ઉપરાંત તેમને તમિલનાડુ સરકાર તરફથી કલાઈમમણિ પુરસ્કાર અને માનદ ડોક્ટરેટની ડિગ્રી પણ મળી હતી.
સરોજા દેવીનું નિધન ભારતીય સિનેમા માટે મોટી ખોટ છે. તેમના નિધનથી માત્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રી જ નહીં પરંતુ લાખો ચાહકો પણ શોકમાં છે. તેમણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જે અમિટ છાપ છોડી છે તે અને પોતાની મહેનત દ્વારા જે મુકામ હાંસલ કર્યો છે તે આવનારી પેઢીઓ માટે પ્રેરણારૂપ રહેશે.