Vadodara,તા.11
વડોદરા-આણંદ વચ્ચે મહીસાગર નદી પરનો ગંભીરા બ્રિજ તૂટી પડવાની દુર્ઘટનામાં મૃત્યુઆંક 20 પર પહોંચી ગયો છે હજુ સરકારે દુર્ઘટનાની જવાબદારી ફીકસ કરી હોય તેમ માર્ગ-મકાન વિભાગનાં ચાર અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. અને હજુ વધુ કેટલાંક અધિકારીઓ પર એકશન આવવાના ભણકારા છે.
ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આજે ત્રીજો દિવસ છે. આજે સતત ત્રીજા દિવસે એનડીઆરએફ સહીતની એજન્સીઓ દ્વારા સર્ચ ઓપરેશન જારી રાખવામાં આવ્યુ હતું. ગઈકાલે પાંચ મૃતદેહો મળ્યા હતા અને મૃત્યુઆંક 20 પર પહોંચ્યો હતો.
બીજી તરફ લાપતા લોકોની શોધખોળમાં આજે વધુ બે મૃતદેહો મળી આવ્યા છે જેને કારણે કુલ મૃત્યુઆંક 20 થયો છે.અને સંભવત હવે કોઈ વ્યકિત ગુમ નથી અને તેના કારણે રાહત બચાવ કામગીરી પણ પુરી થઈ છે.
જે બન્ને લોકોના મૃતદેહ મળ્યા છે તેઓ ટ્રકમાં હોવાનું માનવામાં આવે છે અને તેમનાં સબંધીઓને પણ જાણ કરવામાં આવી છે. આ દુર્ઘટના એ આસપાસનાં વિસ્તારોમાં શોકનું મોજુ ફેલાવી દીધુ છે. જયારે બીજી તરફ ડાયવર્ઝન રૂટ પર વાહનોની કતાર લાગી છે.
દુર્ઘટનાને પગલે નદીમાં બે ટ્રક સહીતનાં વાહનો ખાબકયા હતા તેને બહાર કાઢવાનાં પડકારજનક બન્યુ હતું. સૈન્યની ક્રેઈન મારફત લોડેડ ટ્રક બહાર કાઢવાનો પ્રયત્ન ગઈકાલે સફળ થયો હતો.એટલે આજે ફરી પ્રયાસ કરાયો હતો બન્ને ટ્રકને આજે સવારે બહાર કાઢી લેવામાં આવ્યા હતા.
દરમ્યાન ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ રાજયભરનાં તમામ પૂલોનાં ઈન્સ્પેકશ ચકાસણી કરવાનાં આદેશો બાદ ધડાધડ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સતત બીજા દિવસે મીટીંગ કરીને તમામ બ્રીજનાં ફરી ઈન્સ્પેકશનની સુચના આપી હતી.
કોર્પોરેશન વિસ્તારોનાં બ્રિજ ચકાસવાનાં પણ આદેશ કરવામાં આવ્યા હતા. દુર્ઘટનાગ્રસ્ત બ્રિજનાં કારણો વિશે પ્રાથમીક રિપોર્ટ મંગાવ્યો હતો અને તેના આધારે એકશન શરૂ કરાયા હતા.
પ્રાથમિક રિપોર્ટના આધારે માર્ગ-મકાન વિભાગનાં ચાર અધિકારીઓને તાત્કાલીક અસરથી સસ્પેન્ડ કરવાનો આદેશ કરાયો હતો. આ અધિકારીઓમાં એકઝીકયુટીવ એન્જીનીયર એન.એન.નાયકાવાલા, ડેપ્યુટી એન્જીનીયર યુ.સી.પટેલ, આર.ટી.પટેલ તથા આસી. એન્જીનીયર જે.વી.શાહનો સમાવેશ થાય છે.
સુત્રોએ કહ્યું કે છ સભ્યોની નિષ્ણાંત ટીમને વિગતવાર રીપોર્ટ આપવા કહેવાયું ચે. 30 દિવસમાં રીપોર્ટ મળ્યા બાદ વધુ કેટલાંક અધિકારીઓ પર ગાજ વરસવાનાં એંધાણ છે.