Gandhinagar,તા.28
પ્રાથમિક-માધ્યમિક અને ઉચ્ચત્તર શાળાઓમાં શિક્ષકોની ઘટ પૂરવા માટે નિવૃત શિક્ષકોની ભરતીનો નિર્ણય શિક્ષણ વિભાગે કર્યો અને તેનો પરિપત્ર પણ જાહેર કરાયો હતો. જો કે આ પરિપત્રનો વિરોધ થઇ રહ્યો હતો.
શિક્ષકોના બંને સંગઠનોએ આ નિર્ણયની ટીકા કરી હતી. આખરે આ નિર્ણય રદ કરવાની શિક્ષણ વિભાગને ફરજ પડી છે. કારણ કે અનેક યુવકો સરકારી નોકરીની શોધમાં છે. ખાસ કરીને ટેટ-ટાટ પાસ યુવકોને પણ વય મર્યાદાના કારણે નોકરી મળતી નથી ત્યારે નિવૃત થઈ ચૂકેલા શિક્ષકોને જરુર પડે તો ભરતી કરવાના નિર્ણયથી નારાજગી વધી હતી.
નિવૃત શિક્ષકોની ભરતીનો નિર્ણય રદ્દ કરી ભરતીના નિયમોમાં જરુર પ્રમાણે છૂટછાટ આપવા મુદ્દે સરકારમાં વિચારણા ચાલતી હોવાની જાણકારી મળી હતી. શાળા સંચાલક મંડળે સરકાર સામે નારાજગી દર્શાવી હતી. શાળા સંચાલક મંડળે સરકારને પત્ર લખી રજૂઆત કરી હતી કે નિવૃત્ત શિક્ષકના સ્થાને બેરોજગાર શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માંગ કરી હતી.
રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નિવૃતિથી ખાલી પડતી જગ્યાઓની ઘટ તાત્કાલિક નિવારવા દર વર્ષે 31 જુલાઈની સ્થિતિએ મંજૂર કરવામાં આવેલ મહેકમ મુજબ શાળામાં ખાલી પડેલ જગ્યાઓ પર વિભાગના તારીખ 11-07-2025ના ઠરાવથી સુધારેલ કાર્ય પદ્ધતિ અનુસરીને જ્ઞાન સહાયકને કામગીરી સોંપેલ હોય ત્યાર પછી જગ્યાઓ ખાલી રહે તો આવી ખાલી રહેતી જગ્યાઓ પર કામચલાઉ વ્યવસ્થાના ભાગરુપે નિવૃત થયેલ સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓના નિવૃત શિક્ષકોને શૈક્ષણિક કામગીરી સોંપી દેવા બે દિવસ પૂર્વે સરકારે પરિપત્ર ઈસ્યુ કર્યો હતો.