લેણી રકમ રૂા.૨,૭૪,૭૦૭ વસૂલવા વિજય બેન્ક એ લવાદ કોર્ટમાં દાવો કર્યો હતો
Rajkot,તા.04
શહેરના વિજય કોમર્શિયલ કો-ઓપરેટીવ બેન્ક લી.માંથી લીધેલી લોન ભરપાઇ નહિ કરવા સબબ લવાદ કોર્ટમાં લઈ જવાયેલા વિવાદમાં બાકીદાર હસમુખલાલ રતીલાલ વોરાને સિવિલ જેલમાં એક માસની સાદી કેદનો હુકમ કરવામાં આવ્યો છે. આ અંગેની હકીકત મુજબ, હસમુખલાલ રતીલાલ વોરા (રહે. વીપીન વિલા, ૫-રામકૃષ્ણનગર, રાજકોટ)એ વિજય કોમર્શિયલ, કો-ઓપરેટીવ બેન્ક લી.ના સભાસદ દરજજે લોન લીધી હતી. બાદમાં લોનની બાકી લેણી રકમ રૂા. ૨,૭૪,૭૦૭/- ન ચુકવતા વિજય કોમર્શિયલ કો-ઓપરેટીવ બેન્ક લી. એ તેમના એડવોકેટ મારફતે રાજકોટ લવાદ કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો. જે દાવો લવાદ કોર્ટે મંજુર કરી બેંકની લેણી રકમ રૂા.૨,૭૪,૭૦૭/- તથા તે રકમ વસુલ થતા સુધીના ૧૮ + ૩ % લેખે ચડતા માસીક વ્યાજ તથા દાવાખર્ચના રૂા. ૫૦૦૦/- સહિત મળીને જે રકમ થાય તે વસુલ કરવાનું હુકમનામું કરવામાં આવ્યું હતું. દરમિયાન સદરહુ હુકમનામા મુજબની રિકવરી કરવા વિજય કો-ઓપરેટિવ બેન્કે તેમના એડવોકેટ મારફતે રાજકોટની સિવિલ કોર્ટમાં દરખાસ્ત દાખલ કરેલ, જે અન્વયે બેન્કના બાકીદાર હસમુખલાલ રતીલાલ વોરાને સિવિલ જેલમાં બેસાડવાની અરજી કરવામાં આવતા સદરહુ અરજી રાજકોટના અધિક સિનિયર સિવિલ જજ વી.એ. રાણાએ મંજુર કરી બાકીદાર હસમુખલાલ રતીલાલ વોરાને ૧(એક) માસ માટે સિવિલ જેલમાં બેસાડવાનો હુકમ ફરમાવ્યો છે. આ કામમાં બેન્ક વતી એડવોકેટ કિશન એમ. પટેલ રોકાયા હતા.